Monday, March 17, 2025
More

    હરિયાણામાં નહીં બદલાય નેતૃત્વ, નાયબ સિંઘ સૈની જ હશે CM: ધારાસભ્યોની બેઠકમાં નેતા ચૂંટાયા, 17 ઑક્ટોબરે શપથગ્રહણ

    હરિયાણાના આગામી મુખ્યમંત્રી (Haryana CM) નાયબ સિંઘ સૈની (Nayab Singh Saini) જ હશે. આ બાબતની અધિકારિક ઘોષણા કરી દેવામાં આવી છે.

    બુધવારે (16 ઑક્ટોબર) હરિયાણામાં ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક મળી હતી, જેમાં નાયબ સિંઘ સૈનીને નેતા ચૂંટવામાં આવ્યા. 

    નાયબ સિંઘ ગુરુવારે (17 ઑક્ટોબર) હરિયાણાના આગામી મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી શાહ અને ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહી શકે. 

    ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી નાયબ સિંઘ સૈનીના નેતૃત્વમાં જ લડી હતી. લોકસભા ચૂંટણી પહેલાં માર્ચ, 2024માં ભાજપે હરિયાણામાં મુખ્યમંત્રી બદલી દીધા હતા અને મનોહરલાલ ખટ્ટરના સ્થાને કમાન તે સમયે સાંસદ એવા નાયબ સિંઘ સૈનીના હાથમાં સોંપાઈ હતી. જ્યારે ખટ્ટર લોકસભા ચૂંટણી લડ્યા હતા અને હાલ તેઓ કેન્દ્રમાં મંત્રી છે. 

    RSS સાથે સંકળાયેલા નાયબ સિંઘ સૈની હરિયાણાના રાજકારણમાં મોટું નામ છે. 1996માં તેમણે રાજકારણમાં ડગ માંડ્યા હતા. ત્યારબાદ સંગઠનમાં અનેક જવાબદારી નિભાવી અને 2023માં હરિયાણા ભાજપ પ્રદેશ પ્રમુખ પણ બન્યા હતા. CM બન્યા તે પહેલાં તેઓ કુરુક્ષેત્રથી સાંસદ હતા. તે પહેલાં તેઓ હરિયાણા સરકરમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા.