Monday, January 6, 2025
More

    છત્તીસગઢમાં નક્સલી હુમલો, LED બ્લાસ્ટમાં 8 જવાનો પામ્યા વીરગતિ: રોડ પર 10 ફૂટનો પડ્યો ખાડો અને 25 ફૂટ ઊંચે ઝાડ પર મળ્યો ગાડીનો કાટમાળ

    છત્તીસગઢમાં (Chhattisgarh) આવેલા બીજાપુરમાં (Bijapur) નક્સલી હુમલો (Naxalite attack) થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, સોમવારે (6 જાન્યુઆરી) નક્સલવાદીઓએ બીજાપુરમાં LED બ્લાસ્ટ કરીને જવાનોને લઈને જઈ રહેલા વાહનને ઉડાવી દીધું હતું. આ ઘાતક હુમલામાં દંતેવાડા DRGના 8 જવાનો વીરગતિને (8 Jawans martyred) પામ્યા છે અને ડ્રાઈવરનું પણ ઘટનાસ્થળે જ મોત થયું છે.

    IG બસ્તર રેન્જ સુંદરરાજ પીએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, બીજાપુરથી સંયુક્ત ઑપરેશન પાર્ટી ઑપરેશન પૂરું કરીને પરત ફરી રહી હતી. દરમિયાન સોમવારે બપોરે 2 કલાકે બીજાપુર મુખ્યાલયથી લગભગ 40 કિલોમીટર સુંદર અંબેલી ગામની પાસે નક્સલીઓએ LED બ્લાસ્ટ કર્યો હતો.

    અધિકારીએ વધુમાં જણાવ્યું કે, બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, લગભગ 10 ફૂટનો ખાડો થઈ ગયો હતો અને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ગાડીના ઘણા પાર્ટસ 25 ફૂટ ઊંચે ઝાડ પર મળી આવ્યા છે. આ હુમલામાં 8 જવાનો વીરગતિને પામ્યા છે અને એક ડ્રાઈવરનું પણ મોત થયું છે.