Sunday, March 16, 2025
More

    જાણે ધરતી પર ઉતરી આવી આકાશગંગા: અંતરિક્ષમાંથી સામે આવ્યા મહાકુંભના અદ્ભુત ફોટા, NASAના અંતરિક્ષયાત્રીએ શૅર કરી ઐતિહાસિક તસ્વીરો

    ઉત્તર પ્રદેશમાં તીર્થરાજ પ્રયાગરાજ ખાતે સનાતની મહાપર્વ મહાકુંભ ઉજવવામાં આવી રહ્યો છે. કરોડો સનાતનીઓ અને દુનિયાભરના લોકો મહાકુંભ ક્ષેત્રમાં ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીના પવિત્ર ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન કરીને ધન્યતાને પામી રહ્યા છે. 144 વર્ષે આવતા આ મહાપર્વમાં અત્યાર સુધી 13 કરોડથી વધુ લોકો ભાગ લઈ ચૂક્યા છે અને તેની પુર્ણાહુતી સુધીમાં 45 કરોડથી વધુ લોકો આવશે તેવો અંદાજો છે. ત્યારે આ મહાપર્વના આયોજનને અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય તેટલું ભવ્ય આયોજન છે. NASAના અંતરિક્ષ યાત્રી ડોન પેટિટે ISS (International Space Station) પરથી મહાકુંભના અદ્ભુત ફોટા શૅર કર્યા છે.

    NASAના અંતરિક્ષ યાત્રી ડોન પેટિટે ISS પરથી મહાકુંભના અદ્ભુત ફોટા પાડીને તેમના X હેન્ડલ પર શૅર કર્યા છે. તેઓ હાલ સુનિતા વિલિયમ્સ અને અન્ય લોકો સાથે સ્પેસ મિશન પર છે. તેમણે X પર લખ્યું કે, “ISS પરથી ગંગા અને 2025 મહાકુંભ મેળાનું રાતનું દ્રશ્ય, વિશ્વનો સહુથી મોટો મેળાવડો.” તેમણે શૅર કરેલા ફોટામાં પવિત્ર ગંગા નદી ઉપરાંત મહાકુંભ ક્ષેત્રનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.

    ફોટામાં મહાકુંભ મેળાને આકાશગંગાની જેમ ઝળહળતા જોઈ શકાય છે. સાથે જ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મહાપર્વ પર કરવામાં આવેલી મહેનત અને વ્યવસ્થા પણ અહીં સમજી શકાય છે. આવડા મોટા વિસ્તારમાં કરોડો લોકોના સમાગમને સુવ્યવસ્થિત પાર પાડવા માટેની યોગી સરકારની પ્રતિબદ્ધતા અહીં નજરે પડે છે. રાત્રીના સમયમાં અંતરિક્ષમાંથી મહાકુંભ જોતા તે આકાશગંગા જેવો ભાષી રહ્યો છે, સાથે જ તેની માફક ઝગમગી રહ્યો છે.

    અહીં નોંધવું જોઈએ કે, ડોન પેટિટ વૈજ્ઞાનિક, ઈજનેર અને અંતરિક્ષયાત્રી ઉપરાંત બહુ સારા ફોટોગ્રાફર પણ છે. તેઓ સ્પેસમાં રહીને બ્રહ્માંડના અદ્વિતીય ફોટા પાડીને અવારનવાર તેમના X હેન્ડલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શૅર કરતા રહે છે. તાજેતરમાં જ તેમણે ઓઇતન કેમેરા અને લેન્સ સાથેનો એક વિડીયો પણ શૅર કર્યો હતો. રહી વાત ISSની તો તે ધરતીથી 400 કિલોમીટર ઉપર 28000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધરતીની પરિક્રમા કરે છે. તેના પર વૈજ્ઞાનિકો અને અવકાશ યાત્રીઓ રહીને બ્રહ્માંડ વિષે સંશોધનો અને અધ્યયન કરે છે.