Saturday, April 12, 2025
More

    નાગપુર હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનની ધરપકડ: ભડકાઉ ભાષણો આપીને હિંસા માટે મુસ્લિમોનું ટોળું બોલાવ્યું હોવાના આરોપ

    મહારાષ્ટ્રના નાગપુરમાં ફાટી નીકળેલી હિંસા પાછળના માસ્ટરમાઇન્ડની પોલીસે ધરપકડ કરી છે. નાગપુર ખાતેના મહાલ વિસ્તારમાં ઇસ્લામિક ટોળાએ તોડફોડ અને આગચંપી કરી હતી. ત્યારપછી, CM ફડણવીસે પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. ત્યારે પોલીસે હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનને ઝડપી લીધો છે.

    ફહીમ શમીમ ખાન નાગપુરમાં માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટીનો (MDP) પ્રમુખ છે. પોલીસે ફહીમ ખાન સહિત 51 લોકો સામે કેસ નોંધ્યો છે. ફહીમ ખાને 2024ની લોકસભા ચૂંટણીમાં નાગપુરથી નીતિન ગડકરી સામે ચૂંટણી લડી હતી, પરંતુ તેની ડિપોઝિટ પણ બચાવી શક્યો નહોતો.

    પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફહીમે ભડકાઉ ભાષણો આપીને મુસ્લિમોને લોકોને ઉશ્કેર્યા હતા, જેના કારણે નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે, તેણે જ 50-60 લોકોને હિંસા માટે બોલાવ્યા હતા.

    એટલું જ નહીં, એવો આરોપ છે કે ફહીમ ખાને એક મહિલા પોલીસ અધિકારીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. પોલીસે નાગપુર હિંસા કેસમાં નોંધાયેલી FIRમાં ફહીમ ખાનનું નામ ઉમેર્યું છે. પોલીસે આ મામલે 50થી વધુ લોકોની ધરપકડ કરી હતી, જે હાલ પોલીસ કસ્ટડીમાં છે.