Saturday, April 19, 2025
More

    મ્યાનમાર ભૂકંપમાં મૃતકોનો આંકડો 2000+, રખાશે એક મિનિટનું મૌન: ઑપરેશન બ્રહ્મા હેઠળ 2 ભારતીય જહાજો વધુ 30 ટન રાહતસામગ્રી લઈને મ્યાનમાર રવાના

    મ્યાનમાર (Myanmar) ભૂકંપ (Earthquake) વિશેની નવી માહિતી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા 2000+ થઈ ગઈ છે. તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મંગળવારે (1 એપ્રિલ) મ્યાનમારમાં એક મિનિટનું મૌન પાળવામાં આવશે. આ સાથે જ ઇમારતોના કાટમાળમાં વધુ જીવિત લોકો મળી આવે તેવી સંભાવનાઓ છે. વધુમાં રાષ્ટ્રીય ધ્વજને પણ મંગળવારના રોજ અડધી કાઠીએ ફરકાવવાના આદેશ સૈન્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે.

    સૈન્ય સરકારે સોમવારે જણાવ્યું છે કે, હમણાં સુધીમાં 2056 લોકોના મોત થયા છે અને 3900 લોકો હાલ પણ ઘાયલ છે. વધુમાં 270 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. સાથે એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે કે, મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. ચીનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ત્રણ ચીની નાગરિકોનો પણ સમાવેશ થાય છે. વધુમાં થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ 19 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

    ભારતનું ઑપરેશન બ્રહ્મા શરૂ

    આ સાથે જ ભારતે ભૂકંપગ્રસ્ત મ્યાનમાર માટે ઑપરેશન બ્રહ્મા (Operation Brahma) હેઠળ સતત મદદ પૂરી પાડી છે. સેંકડો ટન રાહતસામગ્રી અને મેડિકલ સપ્લાય સફળતાપૂર્વક આપ્યા બાદ વધુ બે જહાજોને 30 ટન રાહતસામગ્રી સાથે મ્યાનમાર માટે રવાના કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે, 2 ભારતીય નેવીના જહાજોને મ્યાનમાર તરફ રવાના કરવામાં આવ્યા છે.

    એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ભારતીય સમુદ્રીદળના જહાજ INS કરમૂક અને LCU-52ને વધુ 30 ટન રાહતસામગ્રી અને મેડિકલ સપ્લાય સાથે મ્યાનમારના યાંગૂન તરફ રવાના કરવામાં આવ્યા છે. ભારતે ઑપરેશન બ્રહ્મા હેઠળ NDRFની ટીમ, આર્મી ફિલ્ડ હૉસ્પિટલ, મેડિકલ સર્વિસિસ અને અન્ય તમામ મદદો મ્યાનમાર માટે રવાના કરી છે.