પાડોશી દેશ મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુ પામેલાઓનો આંકડો 1600 પાર કરી ગયો છે. હાલ બચાવકાર્ય ચાલી રહ્યું છે. હજુ 140 જેટલા લોકો લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેની શોધખોળ ચાલી રહી છે.
હાલ બચાવકાર્યમાં મુશ્કેલીઓ પડી રહી છે, તેનું કારણ એ છે કે બીજા દેશમાંથી જે ટીમો અને સાધન-સામગ્રી લાવવામાં આવી રહ્યાં છે, તેમનાં વિમાનોને ઉતારવા માટે કોઈ સ્થાન રહ્યું નથી. એરપોર્ટને પણ ભારે નુકસાન થયું હોવાના કારણે વિમાનો ઉતરી શકે તેમ નથી. વધુમાં શહેરોના રસ્તાઓ પણ તૂટી ગયા હોવાના કારણે યાતાયાતમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
AFPના રિપોર્ટ અનુસાર, મ્યાનમારના માંડલે શહેરમાં તબાહી મચી જવાના કારણે હજારો લોકો ઘરવિહોણા બની ગયા છે, જેઓ હાલ થોડાઘણા સામાન સાથે બહાર વૃક્ષો નીચે રાત્રિઓ પસાર કરી રહ્યા છે.
મ્યાનમારના માંડલે નજીક આવેલા ભૂકંપના આંચકા પાડોશી દેશ થાઈલેન્ડમાં પણ અનુભવાયા હતા, જ્યાં પણ 6 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે. સૌથી વધુ નુકસાન મ્યાનમારમાં જ થયું છે. હાલ રેસ્ક્યુ ચાલી રહ્યું છે અને જેમ-જેમ આગળ વધે તેમ મૃતકોનો આંકડો વધવાની સંભાવના છે.