Saturday, April 12, 2025
More

    મ્યાનમારમાં 700એ પહોંચ્યો મૃતકોનો આંકડો, હજારથી વધુ ઇજાગ્રસ્ત: ભૂકંપ બાદ ભારતે લૉન્ચ કર્યું ‘ઑપરેશન બ્રહ્મા’, પ્રથમ તબક્કામાં મોકલી 15 ટન રાહત સામગ્રી

    શુક્રવારે (28 માર્ચ) 7.7ની તીવ્રતાના ભૂકંપે મ્યાનમારને ધ્રુજાવીને રાખી દીધું છે. આ ભૂકંપના કારણે મૃતકોનો આંકડો પણ સતત વધી રહ્યો છે. હવે જાણવા મળી રહ્યું છે કે, આ ભૂકંપના કારણે મૃતકોનો આંકડો લગભગ 700એ પહોંચી ગયો છે. તે સિવાય બચાવ કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.

    રોયટર્સ અનુસાર, મ્યાનમારની સરકારી MRTVએ ટેલિગ્રામ મેસેજિંગ એપ પર કહ્યું છે, આ ભૂકંપના કારણે મરનારાઓની સંખ્યા 694 સુધી પહોંચી ગઈ છે અને 1,670 લોકો ઘાયલ થયા છે. અમેરિકન જિયોલોજીકલ સર્વિસ ઓટોમેટેડ સિસ્ટમે અનુમાન લગાવ્યું છે કે, ભૂકંપના કારણે 10,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોય શકે છે.

    વધુમાં ભારત અને અન્ય આંતરરાષ્ટ્રીય દેશોની મદદની મ્યાનમારમાં રાહત કાર્ય ચાલી રહ્યું છે. મ્યાનમારના જુંટા ચીફ મીન આંગ હાઈંગને ભૂકંપથી બચવા માટે વૈશ્વિક સહાયતાની અપીલ કરી છે. આ ઉપરાંત ભારતે આ પહેલાં જ મદદનું આશ્વાસન આપી દીધું હતું. મ્યાનમારની જાહેરાત બાદ યુરોપિયન સંઘ, અમેરિકા અને ચીન જેવા દેશોએ મદદનું આશ્વાસન આપ્યું છે.

    આ ઉપરાંત ભારત મ્યાનમારના ભયાનક ભૂકંપ બાદ તરત જ પ્રથમ મદદ પૂરી પાડનાર દેશ બન્યો હતો અને ‘ઓપરેશન બ્રહ્મા’ લૉન્ચ કર્યું હતું. ઓપરેશન બ્રહ્મા હેઠળ પ્રથમ તબક્કામાં મ્યાનમારમાં 15 ટન રાહત સામગ્રી મોકલી આપવામાં આવી છે. ભારતીય વાયુસેનાના C130 J વિમાને હિંડન વાયુસેના સ્ટેશન પરથી ઉડાન ભરી હતી અને મ્યાનમાર પહોંચ્યું હતું. હાલ મ્યાનમાર અને થાઈલેન્ડ બંને દેશોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને બંને દેશોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.