સરકારે ટ્રિપલ તલાક (Triple Talaq) આપવા પર પ્રતિબંધ લગાવ્યા છતાં તેના મામલા સામે આવતા હોય છે. આવો જ એક મામલો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાંથી (Muzaffarnagar) સામે આવ્યો છે. જેમાં એક મહિલા તેના બાળકોને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેના શોહર વિરુદ્ધ ટ્રિપલ તલાક આપવાની ફરિયાદ નોંધાવી હતી.
આ મહિલા મૂળ શામલી જિલ્લાના કાચી ગઢી ગામની રહેવાસી છે અને તેના નિકાહ સાત વર્ષ પહેલાં ચરથાવલ પોલીસ સ્ટેશન વિસ્તારના હસનપુર લુહારી ગામના એક યુવક સાથે થયા હતા. તે 6 વર્ષથી તેની સાસરીમાં રહેતી હતી.
તેના 2 સંતાનો છે એક છોકરી અને એક છોકરો. તેણે આરોપ લગાવ્યો હતો કે નિકાહ પછી તેનો શોહર તેની પાસે દહેજ તરીકે મોટરસાયકલ, સોનાની વીંટી અને ચેઇનની માંગતો હતો. તેના અબ્બા-અમ્મી પાંચ વર્ષ પહેલા ગુજરી ગયા હતા, તેથી તેને મદદ કરવા માટે કોઈ નથી.

આ પહેલાં પણ તેના શોહરે તેને ફોન પર ટ્રિપલ તલાક આપ્યા હતા જોકે બંને પરિવાર વચ્ચે સમાધાન થતા તેના દિયર સાથે તેના હલાલા કરાવવામાં આવ્યા. ત્યારપછી ફરીથી શોહર સાથે નિકાહ થયા. બીજી વાર નિકાહ કર્યા પછી પણ શોહર સુધર્યો નહીં.
તે દારૂ પીને પીડિતા સાથે મારપીટ કરતો હતો. તેણે મારપીટ કરીને પીડિતાને ઘરની બહાર કાઢી મૂકી હતી તેથી પીડિતા તેની બહેનના ઘરે જતી રહી હતી. આ વખતે પણ તેના શોહરે ફોન કરીને ટ્રિપલ તલાક આપી દીધા ત્યારે પીડિતા આ વખતે પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે પોલીસ પાસે મદદની માંગ કરી છે.
પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પતિની મારપીટના કારણે તેનો એક હાથ કાપી નાખવો પડ્યો. તેણે કહ્યું કે એક દિવસ, એક જગડા દરમિયાન, તેના હાથમાં ચાકુ વાગ્યું જેનો ઘા સેપ્ટિક થઈ ગયો. પરિસ્થિતિ વણસતા ડોકટરે તેનો હાથ કાપી નાખ્યો હતો.