Tuesday, March 25, 2025
More

    ‘ભારતમાં હિંદુમાંથી બનાવાયા છે મુસ્લિમો.. ઇસ્લામ અરબી મઝહબ, અહીં તો બધા હિંદુ જ હતા’: IAS નિયાઝ ખાન

    મધ્ય પ્રદેશ કેડરના IAS અધિકારી નિયાઝ ખાને કહ્યું છે કે, ઇસ્લામ એક આરબનો મઝહબ છે અને ભારતમાં દરેક વ્યક્તિ મૂળ હિંદુ હતા. નિયાઝ ખાને કહ્યું છે કે, બીજા ધર્મમાં ધર્માંતરણ કરવાથી આપણી મૂળ ઓળખ બદલાતી નથી અને આપણે આપણા સહિયારા સાંસ્કૃતિક અને આનુવંશિક વારસાને સમજવો જોઈએ.

    તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “ઇસ્લામ આરબનો ધર્મ છે. અહીં બધા હિંદુ હતા. હિંદુમાંથી લોકોને મુસ્લિમ બનાવવામાં આવ્યા હતા. તેથી ભલે ધર્મો અલગ-અલગ હોય, લોહી એક જ છે. બધા એક જ સંસ્કૃતિનો ભાગ રહ્યા છે. જો મુસ્લિમો આરબોને આદર્શ માને છે તો તેમણે પુનર્વિચાર કરવો જોઈએ. સૌ પ્રથમ, હિંદુઓને પોતાના ભાઈઓ માનો અને પછી આરબોને.”

    નિયાઝ ખાને જણાવ્યું હતું કે, ઇસ્લામ મૂળ આરબમાં ઉદ્ભવ્યો હતો અને સમય જતાં તે મલેશિયા, ઇન્ડોનેશિયા સહિત 57થી વધુ દેશોમાં ફેલાયો હત. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો ભારતીય મુસ્લિમોના જનીનોનું (DNA) પરીક્ષણ કરવામાં આવે તો જાણવા મળશે કે, તેઓ સાઉદી અરેબિયા, ઈરાન કે ઇરાકના નથી પણ ભારતીય હિંદુઓ જેવા જ છે.