Saturday, April 19, 2025
More

    ‘કોઈપણ ભોગે રોકો, વિરોધમાં મત આપો’: વક્ફ બિલ રજૂ થયા પહેલાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનો છેલ્લો મરણિયો પ્રયાસ, ભાજપના સહયોગી દળોને કરી વિનંતી

    બુધવારે (2 એપ્રિલ) લોકસભામાં વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill) રજૂ થવા જઈ રહ્યું છે. પરંતુ તે પહેલાં રાજકારણ પણ ગરમાયું હોય તેવું દેખાઈ રહ્યું છે. વિપક્ષી દળો અને કેટલાક મુસ્લિમ સંગઠનોએ હવે બિલને રોકવા માટેના આખરી પ્રયાસો શરૂ કરી દીધા છે. ‘ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે’ (AIMPLB) તમામ રાજકીય દળો, જેમાં ભાજપની સહયોગી પાર્ટીઓ (BJP’s allied parties) અને સાંસદો પણ સામેલ છે, તેમને અપીલ કરી છે કે, વક્ફ બિલના પક્ષમાં મતદાન ન કરીને તેના વિરુદ્ધ મતદાન કરવું.

    મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે તમામ પક્ષોને વક્ફ બિલનો વિરોધ કરવાની અપીલ કરી છે. તેણે દાવો કર્યો છે કે, આ બિલ લઘુમતી સમુદાયના અધિકારોને નબળા પાડી દેશે. તેણે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે, કોઈપણ ભોગે આ બિલના પક્ષમાં વોટ ન થવા જોઈએ. જોકે, ભાજપના મુસ્લિમ નેતાઓ આ બિલને મુસ્લિમો માટે જરૂરી ગણાવી રહ્યા છે. બીજી તરફ વિપક્ષી નેતાઓ સતત તેના વિરુદ્ધમાં લોકોને ગુમરાહ કરી રહ્યા છે.

    તે સિવાય આ બિલને લઈને મુસ્લિમ સમુદાયના ઘણા લોકોએ પણ સરકારનું સમર્થન કર્યું છે. અજમેર દરગાહના વડાએ પણ આ બિલને સમર્થન આપ્યું છે. વધુમાં નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીની પાર્ટીઓએ ભાજપ સાથે મળીને બિલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. વિપક્ષ તેનો સતત વિરોધ કરી રહ્યું છે, પરંતુ મોદી સરકારને બહુમતી મળવાની પૂરી સંભાવના છે.