Sunday, March 9, 2025
More

    હવે UPના સહારનપુરમાં મુસ્લિમ ટોળાનો પોલીસ પર પથ્થરમારો, મહંત નરસિંહાનંદના વિરોધના નામે ઉત્પાત: કડક બંદોબસ્ત ગોઠવાયો

    મહંત નરસિંહાનંદના વિરોધના નામે છેલ્લા ઘણા દિવસોથી ઇસ્લામી કટ્ટરપંથીઓ દેશમાં અનેક જગ્યાએ ઉત્પાત મચાવી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાઓએ હિંસા પણ આચરવામાં આવી છે. તે જ અનુક્રમે હવે યુપીના સહારનપુરમાં પણ હિંસાની ઘટના બની, જ્યાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.

    માહિતી અનુસાર, પોલીસને આવેદનપત્ર આપવા પહોંચેલા મુસ્લિમ સમુદાયનાં ટોળાંએ અચાનકથી પોલીસના જવાનો પર હુમલો કરી દીધો હતો અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. 2000થી વધુ લોકો એકઠા સહારનપુરમાં ભારે ઉત્પાત મચાવ્યો હતો. દરમિયાન ‘મઝહબી નારા’ લગાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

    આ ઘટના સહારનપુર દેહાત કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. હાલ પોલીસ વિડીયો દ્વારા આરોપીઓની ઓળખ કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. આ પહેલાં પણ બુલંદશહર અને મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ પોલીસ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી.

    નોંધવા જેવું છે કે, મોહમ્મદ પયગંબર પર આપેલા કથિત નિવેદનને લઈને ઇસ્લામી કટ્ટરપંથીઓ વિરોધ કરી રહ્યા છે. કટ્ટરપંથીઓએ યતિ નરસિંહાનંદ પર ‘ઇશનિંદા’નો આરોપ લગાવ્યો છે અને અનેક સ્થળોએ ‘સર તન સે જુદા’ કરવાના નારા પણ લગાવવામાં આવ્યા છે. દેશમાં આ સિવાય અન્ય ઠેકાણે પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે.