કૉમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’માં પોડકાસ્ટર રણવીર અલાહાબાદિયાએ કરેલી ટિપ્પણીઓ પર ચાલી રહેલા વિવાદમાં હિંદુઘૃણાથી ગ્રસિત જૉક્સ કહીને કૉમેડીની દુકાન ચલાવતો મુનવ્વર ફારૂકી કૂદી પડ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર તેણે સમયના સમર્થનમાં એક પોસ્ટ કરીને લખ્યું, “આર્ટ એક સ્પ્રિંગની જેમ છે. જેટલું દબાવશો એટલું જ ઉપર આવશે. તમે જોજો, મારો ભાઈ જરૂરથી ફરી ઉપર આવશે.”
ઉલ્લેખનીય છે કે મુનવ્વર પોતાના શોમાં હિંદુ દેવી-દેવતાઓ પર ટિપ્પણીઓ કરવા માટે કુખ્યાત છે અને આ જ મામલે 2021માં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે ગોધરા હિંદુ હત્યાકાંડના નિર્દોષ રામભક્તોની પણ મજાક ઉડાવી ચૂક્યો છે. હવે તેણે સમય રૈનાના કેસમાં ડહાપણ ડહોળ્યું છે. જોકે બંને કૉમેડીની જ જમાતમાંથી આવતા હોવાના કારણે ભૂતકાળમાં સમય પણ ફારૂકીનું સમર્થન કરી ચૂક્યો છે.
વિવાદની વાત કરવામાં આવે તો મુંબઈ અને આસામ પોલીસ કેસની તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસ એક પછી એક નિવેદનો નોંધી રહી છે. જેમાં શોમાં ભાગ લેવા આવેલા જજોનો સમાવેશ થાય છે. સમય રૈનાને પણ સમન્સ આપવામાં આવ્યું છે, પણ તે હાલ અમેરિકામાં શો કરી રહ્યો છે.