Monday, March 17, 2025
More

    સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં છત્તીસગઢથી પકડેલા યુવાનને પોલીસે છોડ્યો, કહું- મીડિયાએ ગુનેગાર ગણાવ્યો, અમે નહતું કહ્યું કે એ આરોપી છે..હવે ઘરે જશે

    અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે આરોપીને પકડવા માટે મુંબઈ પોલીસે 30 ટીમો કામે લગાડી હતી. દરમ્યાન, શનિવારે (19 જાન્યુઆરી) છત્તીસગઢના દુર્ગથી CCTV કેમેરા ફૂટેજમાં જોવા મળેલા શખ્સ જેવા જ દેખાતા એક માણસને પોલીસે કસ્ટડીમાં લીધો હતો અને પછીથી તેના ફોટા પણ વાયરલ થયા હતા. 

    આકાશ કનોજિયા નામના આ વ્યક્તિને હવે પોલીસે છોડી મૂક્યો છે. ઘટના સાથે તેને કશું જ લાગતું-વળગતું ન હોવાનું જાણવા મળ્યું છે. નોંધવું જોઈએ કે થોડા કલાક પહેલાં તેના ફોટા પણ વાયરલ થઈ ગયા હતા અને ‘સંદિગ્ધ’ ગણાવવામાં આવ્યો હતો. 

    રવિવારે (19 જાન્યુઆરી) મીડિયા સાથેની વાતચીતમાં કનોજિયાએ કહ્યું કે, “મેં કંઈ ખોટું કર્યું નથી. મને પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. હું આરોપી નથી. હું તો ઘરે જઈ રહ્યો છું.”

    પછીથી મુંબઈ પોલીસના એક સબ ઈન્સ્પેક્ટરે પણ પુષ્ટિ કરતાં કહ્યું કે, આકાશની કોઈ સંડોવણી નથી અને તે આરોપી પણ નથી. પોલીસે તેને છોડી મૂક્યો છે. તેમણે કહ્યું કે, “પોલીસે માત્ર કહ્યું હતું કે તે સંદિગ્ધ છે. મીડિયાએ તેને આરોપી બનાવીને ચલાવ્યું. અમે તો કહી રહ્યા હતા કે પહેલાં તપાસ કરવા દો. અમે તેને છોડી રહ્યા છીએ. તેને રેલવે સ્ટેશન પર છોડીશું, ત્યાંથી જ્યાં જવું હશે ત્યાં એ જશે. અમે તેને મુંબઈ પણ લઈ જઈ રહ્યા નથી.”

    નોંધવું જોઈએ કે આ કેસમાં જે સાચો આરોપી છે એ પકડાઈ ગયો છે, જેની ઓળખ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ તરીકે થઈ છે.