Saturday, April 26, 2025
More

    પોલીસ સમક્ષ હાજર ના થયો કુણાલ કામરા, પોસ્ટ કરીને ફૂંકી બણગાઈ, મળી બીજી નોટિસ: શોમાં હાજર પેક્ષકોની પણ થશે પૂછપરછ

    31 માર્ચે ખાર પોલીસે (Khar Police) માહિમ સ્થિત સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાના (Kunal Kamra) ઘરે જઈને તપાસ કરી કે તે ત્યાં હાજર છે કે નહીં. પોલીસ 2 વાર કામરાને સમન્સ પાઠવી ચૂકી છે, કામરાએ 31 માર્ચ પહેલાં પોલીસ સમક્ષ હાજર થવાનું હતું.

    ત્યારે આ તપાસ અંગે કામરાએ X પર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે, “એવા સરનામે જવું જ્યાં હું છેલ્લા 10 વર્ષથી રહ્યો નથી, તમારા સમય અને જાહેર સંસાધનોનો બગાડ છે…” કામરાએ એક ફોટો પણ આ લખાણ સાથે પોસ્ટ કર્યો હતો.

    બીજીતરફ પોલીસે હેબિટેટ સ્ટુડિયોમાં કામરાના શો ‘નયા ભારત’માં હાજરી આપનારા કેટલાક લોકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. પોલીસ આ શોમાં થયેલી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશે તેમની કથિત ટિપ્પણીની તપાસ કરી રહી છે.

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર પોલીસે CRPCની કલમ 179 હેઠળ મુલાકાતીઓને નોટિસ પણ પાઠવી હતી. આ કલમ પોલીસ અધિકારીઓને તપાસ માટે સાક્ષીઓને બોલાવવાની સત્તા આપે છે.

    નોંધનીય છે કે ખાર પોલીસે પહેલાં 25 માર્ચે અને પછી 31 માર્ચે કુણાલ કામરાને હાજર થવા માટે સમન્સ પાઠવ્યા હતા. જોકે કુણાલને 7 એપ્રિલ સુધી મદ્રાસ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મળેલા છે.