મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટને (Mumbai Airport) બૉમ્બની ધમકી (Bomb Threat) મળવાનો મામલો સામે આવ્યો છે. બુધવારે (13 નવેમ્બર) એક વ્યક્તિએ એરપોર્ટ પર કૉલ કરીને કહ્યું હતું કે એક મુસાફર વિસ્ફોટક લઈને આવી રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ટર્મિનલ 1 સ્થિત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) કન્ટ્રોલ રૂમ ખાતે બુધવારે બપોરે એક કૉલ આવ્યો હતો અને બૉમ્બની ધમકી આપવામાં આવી હતી.
કૉલ કરનારે દાવો કર્યો કે, મોહમ્મદ નામનો એક વ્યક્તિ મુંબઈથી અઝરબૈજાન વિસ્ફોટકો લઈને જઈ રહ્યો છે. તેણે આ સિવાય બીજી કોઈ જાણકારી આપ્યા વગર કૉલ કાપી નાખ્યો હતો.
ત્યારબાદ CISF ટીમે સ્થાનિક પોલીસ મથકને જાણ કરી અને તપાસ પણ શરૂ કરી દીધી હતી. હાલ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કૉલરની જાણકારી પણ મેળવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં અનેક ફ્લાઈટ્સને બૉમ્બની ધમકીઓ મળી ચૂકી છે. જોકે, સદભાગ્યથી કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો, પણ આવી ધમકીઓના કારણે ફ્લાઈટ્સ ઑપરેશનને મોટી અસર પડી હતી.