Sunday, March 16, 2025
More

    ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જઈ રેહલ બોટ ડૂબી: 5 ઘાયલ, 1નું મોત; CM ફડણવીસે બચાવ કામગીરીના આપ્યા નિર્દેશ

    મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી (Gateway of India) એલિફન્ટા જઈ રહેલી ‘નીલકમલ’ નામક ફેરી બોટ (Ferry Boat) બપોરે 4 વાગ્યા આસપાસ ડૂબી ગઈ હોવાનું સામે આવ્યું હતું. અહેવાલો અનુસાર આ બોટમાં 85 મુસાફરો સવાર હતા. અકસ્માત (Mumbai Boat accident) બાદ 80 લોકોને બચાવી લેવાયા છે. 5 લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે તથા 1નું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે.

    ઘટના સામે આવ્યા બાદ કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) અને મરીન પોલીસની સંયુક્ત ટીમે બચાવકામગીરી હાથ ધરી હતી. વર્તમાનમાં પણ નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક ફિશિંગ બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

    અહેવાલો અનુસાર તેજ ગતિએ જઈ રહેલી એક નાની હોડી આ બોટ સાથે અથડાઈ જતાં બોટમાં પાણી ભરાયું અને બોટ ડૂબી ગઈ હતી. નેવીની 11 બોટ, મરીન પોલીસની 03 બોટ, કોસ્ટ ગાર્ડની 01 બોટ અને 04 હેલિકોપ્ટર પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા.

    આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી હતી. તથા કહ્યું હતું કે, “અમે જિલ્લા અને પોલીસ પ્રશાસનના સતત સંપર્કમાં છીએ, સદનસીબે મોટાભાગના નાગરિકોનો આબાદ બચાવ થયો છે.”