Tuesday, July 15, 2025
More

    અમેરિકામાં ફરી એક હિંદુ મંદિર કટ્ટરવાદીઓના નિશાને: ઉટાહના ઇસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ, ભારતે કરી તપાસની માંગ

    વિદેશોમાં કટ્ટરપંથીઓ દ્બારા વારે-તહેવારે હિંદુ મંદિરો પર કરવામાં આવતા હુમલાઓની (Attack on Hindu Temple) ઘટનાઓ હવે ખુબ વધતી જાય છે. આમાં અમેરિકા, લંડન અને કેનેડા જેવા દેશોમાં ખાસ કરીને આવી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. ત્યારે હવે અમેરિકાથી એક ખબર સામે આવી રહી છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સના ઉટાહના સ્પેનિશ ફોર્ક (Spanish Fork, Utah – USA) સ્થિત ઇસ્કોનના શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર (ISKCON Sri Sri Radha Krishna Temple) પર છેલ્લા ઘણા દિવસોથી ગોળીબાર કરી મંદિર પરિસરને નુકશાન પહોચાડવાની ઘટના સામે આવી છે.

    ઉટાહના સ્પેનિશ ફોર્ક સ્થિતિ ઇસ્કોનના શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર પર જૂન મહિનામાં જ કટ્ટરપંથીઓ દ્વારા બે ડઝનથી વધુ ગોળીઓ ચલાવવામાં આવી છે. ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ, પરંતુ મંદિર પરિસરને ખુબ નુકસાન પહોચ્યું છે. હુમલો કટ્ટરપંથીઓ દ્વારા કરાયો હોય તેવી શંકા સેવાઈ રહી છે. ઘટના બાદ સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    ભારતે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે, અને સ્થાનિક પ્રશાસન પાસે ઝડપી કાર્યવાહીની માંગ કરી છે. અહેવાલ અનુસાર આ તમામ હુમલાઓ રાત્રી દરમિયાન કરવામાં આવ્યા હતા, જ્યારે ભક્તો અને બીજા લોકો મંદિર પરિસરમાં હતા. હુમલાખોરોએ મંદિર અને તેની આસપાસની મિલકતને નિશાન બનાવીને લગભગ 20થી 30 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેનાથી મંદિરના કોતરણી કરેલા સ્થાપત્યો અને દીવાલોને હજારો ડોલરનું નુકશાન થયું હતું.

    આ હુમલાની નિંદા કરતા, સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે X પર પોસ્ટ કરી કહ્યું, “અમે સ્પેનિશ ફોર્ક, ઉટાહમાં ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં હાલમાં થયેલી ગોળીબારની ઘટનાની સખત નિંદા કરીએ છીએ. કોન્સ્યુલેટ તમામ ભક્તો અને હિંદુ સમુદાયને સંપૂર્ણ સમર્થન આપે છે અને સ્થાનિક અધિકારીઓને જેમણે આ કૃત્ય આચર્યું હોય તેવા ગુનેગારોને ઉચીત દંડ આપવા તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરે છે.”