Saturday, March 8, 2025
More

    નમાજ પઢીને બહાર આવ્યો મુફ્તી મીર શાહ, અજાણ્યા બંદૂકધારીઓ ધરબી ગયા ગોળી: પાકિસ્તાનમાં વધુ એકની હત્યા, કુલભૂષણ જાધવના અપહરણમાં ભૂમિકા હોવાના અહેવાલ

    પાકિસ્તાનમાં એક ISI એજન્ટ મુફ્તી શાહ મીરની (Mufti Shah Mir Murder) હત્યા કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોઈક અજાણ્યા શખ્સે આવીને મુફ્તીને ગોળીઓ ધરબી દીધી હતી. આતંકવાદી મુફ્તી શાહ મીર ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના અપહરણમાં સામેલ હતો.

    અહેવાલ અનુસાર આતંકવાદી મુફ્તી શાહ મીર નમાજ પઢીને મસ્જિદમાંથી આવ્યો ત્યારે ત્યાં પહેલેથી જ બાઈક પર હાજર સશસ્ત્ર હુમલાખોરોએ તેને ગોળીઓ ધરબી દીધી હતી. ત્યારપછી તેને હોસ્પિટલ લઇ જવાયો હતો, પણ અહીં મૃત ઘોષિત કરવામાં આવ્યો.

    બલુચિસ્તાનના તુર્બત વિસ્તારનો રહેવાસી મુફ્તી શાહ મીર ISIના ઈશારે લોકોને ગેરકાયદેસર રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો ધંધો ચલાવતો હતો. આ ઉપરાંત પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતમાં ઘૂસવામાં પણ મદદ કરતો હતો. ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી પણ કરતો હતો.

    ISIના નિર્દેશો પર કામ કરતા શાહ મીરે અફઘાનિસ્તાન સુધી પોતાની પહોંચનો વિસ્તાર કર્યો હતો. ત્યાં તેણે ગુપ્ત રીતે પાકિસ્તાની સેનાને મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી પૂરી પાડી હતી તેવું પણ અહેવાલો જણાવી રહ્યા છે.

    તેણે પાકિસ્તાનથી ‘આઝાદી’ માટે લડતા બળવાખોર જૂથો વિશે સચોટ માહિતી પૂરી પાડી હતી. આ માહિતીના આધારે પાકિસ્તાન સેના આ જૂથો સામે મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરી હતી. જેના કારણે બળવાખોરોમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી.