રોડ અને રસ્તા પર પડતાં ભૂવા અને જમીન બેસવાની ઘટનાને લઈને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. AMCએ આ મામલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP) જાહેર કરી છે. જેના પરિણામે હવે કોઈપણ રોડ કે રસ્તા પર ભૂવો પડશે કે જમીન બેસી જશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે કોન્ટ્રાકટર (Contractor) કે પછી એજન્સીની રહેશે.
આ ઉપરાંત એવું પણ કહેવાયું છે કે, કોન્ટ્રાકટર કે એજન્સીએ રોડ પર પડેલા ભૂવાનું તાત્કાલિક સમારકામ પણ કરવાનું રહેશે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અલગથી રકમ ચૂકવશે નહીં. જેથી કોન્ટ્રાકટરોએ જાતે જ પોતાના ખર્ચે તે ભૂવાનું સમારકામ કરવાનું રહેશે.
વિવિધ કંપનીઓ અને એજન્સીઓને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે-તે વિસ્તારમાં કામ કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે. જે માટે તંત્ર દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરનો અમલ પણ જરૂરી બની રહે છે. આ બધા કારણોને ધ્યાને રાખીને હવે AMCએ નવી SOP જાહેર કરી છે.