Friday, January 10, 2025
More

    બ્રિટનમાં ઇસ્લામિક ગ્રૂમિંગ જેહાદના આતંક વચ્ચે સાંસદોએ તપાસના વિરોધમાં આપ્યો વોટ: મસ્ક અને PM સ્ટાર્મર આમને-સામને

    બ્રિટનમાં (Britain) શાસક પક્ષ નથી ચાહતો કે તેમના દેશમાં ગ્રુમિંગ ગેંગ્સ સામે તપાસ શરૂ થાય. આ જ કારણ છે કે જ્યારે બ્રિટિશ સંસદમાં ઇસ્લામિક ગ્રુમિંગ ગેંગ્સ (grooming gangs) સામે રાષ્ટ્રીય તપાસ શરૂ કરવા માટે બિલમાં સુધારાની માંગ ઉઠાવવામાં આવી ત્યારે બ્રિટિશ સાંસદોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું.

    સામે આવેલી માહિતી અનુસાર, માંગના પક્ષમાં માત્ર 111 સાંસદોએ મતદાન કર્યું જ્યારે 364 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું. આ સાથે, લેબર પાર્ટીએ વિપક્ષ પર બાળ સંરક્ષણ અને કલ્યાણ બિલને સમાપ્ત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.

    લેબર પાર્ટીનું કહેવું છે કે આ સુધારો બાળકોની સુરક્ષા અને કલ્યાણ સંબંધિત મહત્વપૂર્ણ જોગવાઈઓને નબળી પાડશે. સાંસદોએ ચેતવણી આપી છે કે જો આ સુધારો પસાર થશે તો બાળકોના શિક્ષણ અને તેમના વિકાસ પર તેની નકારાત્મક અસર પડશે.

    ઈલોન મસ્ક અને UKના PM આવ્યા અમને સામને

    ઉલ્લેખનીય છે કે ગ્રુમિંગ ગેંગનો મુદ્દો છેલ્લા એક અઠવાડિયાથી ચર્ચામાં છે. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના માલિક ઈલોન મસ્ક (Elon Musk) પોતે આ ગેંગને ટેકો આપતા લોકો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને બ્રિટિશ પોલીસ પર સવાલો ઉઠાવી રહ્યા છે.

    દરમિયાન, બ્રિટિશ વડા પ્રધાન સ્ટાર્મરે (Starmer) મસ્કનું નામ લીધા વિના એક પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દા પર વાત કરતા કહ્યું કે જે લોકો જૂઠાણું અને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે તેમને પીડિતોમાં કોઈ રસ નથી. તેમને ફક્ત પોતાનામાં જ રસ છે.