બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પર ગત 16 જાન્યુઆરીએ જીવલેણ હુમલો (Attack) થયો હતો. આ હુમલા બાદથી જ તેઓ લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા અને સારવાર લઈ રહ્યા હતા. હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. મંગળવારે (5 જાન્યુઆરી 2025) તેમને દવાખાનેથી રજા પણ મળી ગઈ છે. જોકે, હવે તેમની સામે વધુ એક આફત આવી પડી છે. વાસ્તવમાં સૈફ અલી ખાનની ₹15 હજાર કરોડની પૈતૃક સંપત્તિ હવે જોખમમાં મૂકાઈ ગઈ છે. આ સંપત્તિ મધ્ય પ્રદેશના જબલપુરથી ભોપાલ સુધી ફેલાયેલી છે અને તેના પર સરકારનો કબજો કરી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સૈફ અલી ખાનનો આ સંપત્તિ વિવાદ દાયકાઓ જૂનો છે અને 1960થી તે સતત ચાલી રહ્યો છે. સૈફના દાદા નવાબ અમીદુલ્લા ખાનના મોત બાદ આ વિવાદ શરૂ થયો હતો. નવાબની દીકરી આબિદા સુલ્તાને આ સંપત્તિની વારસદાર માનવામાં આવી હતી, પરતું તે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ભારત સરકારે આ સંપત્તિને દુશ્મન સંપત્તિ (એનિમી પ્રોપર્ટી) ઘોષિત કરી અને બીજી દીકરી સાબિયા સુલ્તાનને તેની ઉત્તરાધિકારી માનવામાં આવી.
સૈફ અલી ખાન અને તેમના પરિવારે વર્ષ 2014માં સંપત્તિને દુશ્મન સંપત્તિ ઘોષિત કરવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. તેમનું કહેવું હતું કે, કાયદાના ઓથા હેઠળ તેમની પ્રોપર્ટી પડાવી લેવાનો કારસો છે. 2015માં આ મામલે કોર્ટે સ્ટે ઓર્ડર આપી દીધો હતો અને સરકારના ચોપડે આ પ્રોપર્ટી ન ચડી શકી. જોકે, ડિસેમ્બર 2024માં મધ્ય પ્રદેશ હાઈકોર્ટે આ મામલે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવતા સૈફ અને તેમના પરિવારની અરજી ફગાવી દીધી. કોર્ટે તેમને 30 દિવસમાં અપીલના અધિકાર હેઠળ અપીલમાં જવાનો વિકલ્પ આપ્યો હતો.
ત્યારે હવે કોર્ટે આપેલી સમય સીમા સમાપ્ત થઈ ચૂકી છે અને સૈફ અલી ખાન અને તેમના પરિવારના કોઈ પણ સભ્યએ હજુ સુધી કોઈ જ અરજી દાખલ નથી કરી. જેના કારણે હાઈકોર્ટનો સ્ટે ઓર્ડર નિષ્પ્રભાવી થઈ ગયો છે. સીધી ભાષામાં કહીએ તો ભોપાલ પ્રશાસન માટે હવે આ કરોડોની સંપત્તિને પોતાના અધિકારમાં લેવાનો રસ્તો સરળ થઈ ગયો છે.
નોંધનીય છે કે, આ સંપત્તિ લગભગ 100 એકરમાં ફેલાયેલી છે. તેમાં કોહેફિઝા અને ચિકલોડ વિસ્તારમાં આવેલી જમીનનો પણ સમાવેશ થાય છે અને ત્યાં 1.5 લાખથી વધુ લોકો વસે છે. આ પ્રોપર્ટીમાં પટોડી પરિવારનું તે ઐતિહાસિક ઘર પણ સામેલ છે, જેને ‘પટોડી ફ્લેગ હાઉસ’ તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લા પ્રશાસન ગમે ત્યારે આ સંપત્તિ પોતાના નામે કરી શકે તેમ છે. જોકે, હજુ પણ પટોડી પરિવાર પાસે એક તક છે, જો તેઓ મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેંચમાં અપીલ કરી શકે છે.