આસામ પોલીસની (Assam Police) સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (STF) ધુબરીમાંથી ઝહીર અલી (Jaheer Ali) નામના મોસ્ટ વોન્ટેડ જેહાદીની ધરપકડ કરી. આસામ પોલીસે કટ્ટરપંથી અને આતંકી સંગઠનો (Terrorist Organization) સામે ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન પ્રઘાત’ના ભાગ રૂપે ઝહીરની ધરપકડ કરી હતી.
STF અનુસાર, ઝહીર અલી ધુબરી જિલ્લાના બિલાસીપારા પોલીસ સ્ટેશન વિસ્તારના ખુટીગાંવ ગામનો રહેવાસી છે. તે અંસારુલ્લાહ બાંગ્લા ટીમ નામના આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે. અંસારુલ્લાહમાં અલ-કાયદાનો સાથી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઝહીર અલી અંસારુલ્લાહ બાંગ્લા ટીમના વડા જસીમુદ્દીન રહેમાનીના નજીકના સહયોગી મોહમ્મદ ફરહાનની ટીમમાં કામ કરતો હતો.
આસામ પોલીસના મુખ્ય જનસંપર્ક અધિકારી રાજીવ સૈકિયાએ જણાવ્યું હતું કે, ‘ઓપરેશન પ્રઘાત’ હેઠળ અત્યાર સુધીમાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઘણા બાંગ્લાદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ 21માંથી એક બાંગ્લાદેશી મોહમ્મદ સાદ રદીને ભારતમાં કટ્ટરપંથી વિચારધારા ફેલાવવા માટે મોકલવામાં આવ્યો હતો.
‘ઓપરેશન પ્રઘાત’ હેઠળ STFએ મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો, વિસ્ફોટકો, ગુનાહિત દસ્તાવેજો અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.