Monday, March 24, 2025
More

    મૌની અમાસને લઈને મહાકુંભમાં તડામાર તૈયારી: દસ કરોડથી વધુ લોકો કરશે ત્રિવેણીમાં પવિત્ર સ્નાન; ગૃહમંત્રી આજે પ્રયાગરાજમાં

    પ્રયાગરાજમાં મહાપર્વ મહાકુંભ અતિ ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે. લાખો કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે હવે કુંભ પ્રશાસને 29 જાન્યુઆરીએ આવનાર મૌની અમાસને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મૌની અમાસને લઈને અત્યારથી જ કુંભ ક્ષેત્રમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. એક અંદાજ અનુસાર આ દિવસે 10 કરોડ લોકો પવિત્ર સ્નાનનો લાભ લેશે.

    પ્રશાસન અધિકારીઓએ પણ જણાવ્યું છે કે, અમાવસ્યાને લઈને યાત્રાળુઓ સતત પ્રયાગરાજ આવી રહ્યા છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને અન્ય એન્ટ્રી પોઈન્ટ્સ પર સતત યાત્રાળુઓનો ધસારો વધી રહ્યો છે. મૌની અમાસને લઈને કુંભનગરીમાં અત્યારથી જ માનવમહેરામણ ઉમટી રહ્યું છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, 10 કરોડથી વધુ લોકો અમાસનું પવિત્ર સ્નાન કરશે.

    પ્રશાસને મૌની અમાસને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેળા પ્રશાસન અને પોલીસ સતત સુવ્યવસ્થા માટે ખડેપગે કાર્યરત છે. વ્યવસ્થામાં અડચણ ઉભી ન થાય તે માટે આખા મેળાક્ષેત્રને નો-વ્હીકલ ઝોન ઘોષિત કરી દેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓના આવવા-જવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, તમામ સેક્ટરમાં શ્રદ્ધાળુઓ સુચારુ રીતે ત્રિવેણી સુધી પહોંચી શકે તે માટે બંદોબસ્ત કરવામાં આવી રહ્યા છે. એક આંકડા અનુસાર, અત્યાર સુધી 13 કરોડ લોકો મહાકુંભમાં સામેલ થઈ ચૂક્યા છે.

    બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સોમવારે (27 જાન્યુઆરી) ત્રિવેણી સ્નાન માટે મહાકુંભ પહોંચશે. તેમણે પોતાના X હેન્ડલ પર માહિતી આપતા જણાવ્યું છે કે, “આખા વિશ્વને સમાનતા તેમ જ સમરસતાનો સંદેશ આપતા સનાતનના મહાસંગમ-મહાકુંભ માત્ર તીર્થસ્થળ નથી, પરંતુ દેશની વિવિધતા, આસ્થા અને જ્ઞાન પરંપરાનો સંગમ પણ છે. પ્રયાગરાજમાં સ્નાન તેમજ પૂજન કરીને પૂજ્ય સંતો સાથે મુલાકાત માટે ઉત્સુક છું.”