Tuesday, July 15, 2025
More

    દિલ્હીમાં 31 માર્ચ બાદ 15 વર્ષથી જૂનાં વાહનોને નહીં મળે ઇંધણ: પર્યાવરણ મંત્રી સિરસાનું એલાન, પ્રદૂષણ ડામવા માટે બનાવ્યા નિયમો

    દિલ્હીમાં 31 માર્ચ 2025 બાદ 15 વર્ષથી જૂનાં વાહનોને ઇંધણ આપવા પર રોક લગાવવામાં આવી છે. શનિવારે (1 માર્ચ) નવી ભાજપ સરકારના મંત્રી મનજિંદર સિંઘ સિરસાએ આ ઘોષણા કરી. 

    મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, અમે અમુક મોટા નિર્ણય લીધા છે. જે અનુસાર 31 માર્ચ બાદ 15 વર્ષ જૂનાં વાહનોને કોઈ ઈંધણ મળશે નહીં. આજે અમારી સરકારે આ બાબતની જાણકારી આપી દીધી છે. આ માટે પેટ્રોલ પંપ ઉપર એવાં ગેજેટ્સ લગાવવામાં આવી રહ્યાં છે, જેનાથી જૂનાં વાહનોની ઓળખ કરવામાં આવશે, જેમને કોઈ ઈંધણ આપવામાં આવશે નહીં. 

    બીજા નિર્ણય વિશે તેમણે જણાવ્યું કે, મોટી હોટેલો, મોટી બાંધકામ સાઇટ્સ, એરપોર્ટ, મોટાં ઑફિસ કોમ્પલેક્સ વગેરે માટે એન્ટી સ્મોગ ગન ફરજિયાત કરવામાં આવશે, જેથી પ્રદૂષણ ઘટાડી શકાય. ઉપરાંત તેઓ પ્રદૂષણ જેટલું યોગદાન આપે છે, તેટલું યોગદાન તેના નિયંત્રણ માટે પણ આપવું પડશે. 

    તેમણે કહ્યું કે, જ્યાં ખાલી જમીન પડી છે ત્યાં જંગલ ઊભાં કરવામાં આવશે. આગલા ત્રણ મહિના પ્રદૂષણની દ્રષ્ટિએ અગત્યના છે, જેથી તેને ડામવા માટે ક્લાઉડ સિડીંગની પણ પરવાનગી લેવામાં આવી રહી છે. અન્ય કેટલાંક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, અમુક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ પ્રદૂષણને નાથવા માટે આ જરૂરી છે તેમ તેમણે અંતે ઉમેર્યું હતું.