Monday, March 17, 2025
More

    મહાકુંભ અને હિંદુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર મહિલાની મુરાદાબાદ પોલીસે નોઈડાથી કરી ધરપકડ

    ઉત્તર પ્રદેશની મુરાદાબાદ (Moradabad Police) પોલીસે હિંદુ દેવી-દેવતાઓ અને મહાકુંભ (Maha Kumbh) પર વિવાદાસ્પદ ટિપ્પણી (controversial remarks) કરવા બદલ નોઈડા સેક્ટર-99માંથી મહિલા નેતા નિર્દેશ સિંઘની ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા, મુરાદાબાદ પોલીસે મહિલા વિરુદ્ધ માજોલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. આરોપી નિર્દેશ સિંઘ ઉર્ફે નિર્દેશ દેવી, દેવીરામની પત્ની, ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના દનકૌર પોલીસ સ્ટેશન હેઠળના રોશનપુરની રહેવાસી છે.

    મુરાદાબાદના એસપી સિટી કુમાર રણવિજય સિંહે જણાવ્યું હતું કે પોલીસ ટીમને માહિતી મળી હતી કે મહિલા નોઈડામાં છે. આ પછી મહિલા ટીમને નોઈડા મોકલવામાં આવી. ધરપકડ બાદ, મહિલાએ પોતાની તબિયત ખરાબ હોવાનું જણાવ્યું છે. આરોપી હાલમાં ગર્ભવતી હોવાનું કહેવાય છે. હોસ્પિટલમાં તેમનું ચેકઅપ કરાવ્યા બાદ, આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે અગાઉ આરોપી મહિલાની ધરપકડ કરવા માટે તેના ઘરે દરોડા પાડ્યા હતા. જોકે, તે ત્યાં મળી ન હતી. પોલીસે જણાવ્યું કે આ મહિલા પહેલા માજોલાની કાંશીરામ કોલોનીમાં રહેતી હતી. મુરાદાબાદ બજરંગ દળના નેતા પ્રમોદ સૈની દ્વારા પોતાને આંબેડકરવાદી ગણાવતી નિર્દેશ દેવી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી હતી.