Sunday, June 22, 2025
More

    સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી: ઑપરેશન સિંદૂર પર થશે ચર્ચા, જસ્ટિસ વર્મા વિરુદ્ધ આવી શકે મહાભિયોગ પ્રસ્તાવ

    સંસદનું ચોમાસું સત્ર આગામી 21 જુલાઈથી યોજાશે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુને ટાંકીને અહેવાલોમાં આ જાણકારી આપવામાં આવી રહી છે. 

    જાણવા મળ્યા અનુસાર, ચોમાસું સત્રનો આરંભ 21 જુલાઈ, 2025ના રોજ થશે. અંતિમ તિથિ 12 ઑગસ્ટ છે. 

    સત્ર દરમિયાન ઑપરેશન સિંદૂર વિશે ગૃહમાં ચર્ચા થશે તેવું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તેમણે વિપક્ષનો પણ સંપર્ક કર્યો અને તમામ પક્ષો આ મુદ્દે સાથે આવશે એવી સરકારને અપેક્ષા છે. 

    ઑપરેશન સિંદૂર સિવાય પણ અન્ય ઘણા મુદ્દે ગૃહમાં ચર્ચા થશે, ઘણાં વિધેયકો પણ લાવવામાં આવશે. સમાચાર એવા છે કે સરકાર જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પણ લાવી રહી છે. જેમના ઘરેથી આગ લાગ્યા બાદ કરોડો રૂપિયા મળી આવ્યા હતા. આ માટે પણ કેન્દ્રીય મંત્રી વિપક્ષી નેતાઓનો સંપર્ક સાધી રહ્યા છે.