Saturday, April 12, 2025
More

    જસ્ટિસ વર્માના ઘરેથી મળ્યા હતા પૈસા, સુપ્રીમ કોર્ટે પુષ્ટિ કરીને સાર્વજનિક કર્યો વિડીયો: સળગેલી હાલતમાં જોવા મળી ચલણી નોટો

    દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે આગ લાગ્યા બાદ તેને ઓલવવા પહોંચેલી ફાયર સર્વિસની ટીમને એક રૂમમાંથી મોટા પ્રમાણમાં રોકડા પૈસાનો જથ્થો મળી આવ્યો હતો એ બાબત સ્પષ્ટ થઈ છે. આ પુષ્ટિ મીડિયાનાં સૂત્રો કે અન્ય ક્યાંયથી નહીં પરંતુ સુપ્રીમ કોર્ટ મારફતે કરવામાં આવી છે. સામાન્ય રીતે આવી બાબતોની વિગતો પબ્લિક ડોમેનમાં ઓછી આવે છે પરંતુ શનિવારે (22 માર્ચ) સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર આ કેસને લગતી તમામ વિગતો સાર્વજનિક કરી દેવામાં આવી. 

    આ કેસમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાએ આપેલો તપાસનો આદેશ, દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસે તેમને સોંપેલો રિપોર્ટ, જસ્ટિસ યશવંત વર્માએ આપેલો જવાબ- આ તમામ સત્તાવાર દસ્તાવેજો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવામાં આવ્યા છે. જેનાથી ઘણીખરી વિગતો સ્પષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, કોર્ટે અમુક ફોટો અને વિડીયો પણ સાર્વજનિક કર્યા છે, જેમાં જસ્ટિસ વર્માના ઘરેથી મળી આવેલા પૈસા સ્પષ્ટ જોવા મળે છે. 

    વિડીયોમાં બળી ગયેલાં નોટોના બંડલ જોવા મળી રહ્યાં છે. ફાયર વિભાગના કર્મચારીઓ તેને હટાવતા નજરે પડે છે. પહેલી નજરે જોતાં રૂપિયા લાખો કે કરોડોમાં હોવાની સંભાવના છે. અમુક ચલણી નોટો બળી ગઈ છે, અમુક અડધી સળગેલી હાલતમાં છે. નોટોનો જથ્થો બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. 

    સુપ્રીમ કોર્ટે આ દસ્તાવેજો સાર્વજનિક કરતાં એક પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું કે, ‘દિલ્હી હાઇકોર્ટના સિટિંગ જજ યશવંત વર્મા સામે લાગેલા આરોપો મુદ્દે તપાસ કરવા માટે ભારતના મુખ્ય ન્યાયાધીશે ત્રણ સભ્યોની એક સમિતિ બનાવી છે. જેમાં પંજાબ-હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, હિમાચલ હાઇકોર્ટના મુખ્ય ન્યાયદીશ અને કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થાય છે.’ 

    સાથે જણાવવામાં આવ્યું કે CJIએ દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આદેશ કર્યો છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જસ્ટિસ યશવંત વર્માને કોઈ ન્યાયિક કામ સોંપવામાં ન આવે. સાથે ચીફ જસ્ટિસ દિલ્હી હાઇકોર્ટ દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અને યશવંત વર્માનો જવાબ તથા અન્ય દસ્તાવેજો જોડવામાં આવી રહ્યા છે.