Sunday, March 9, 2025
More

    એકસાઈઝ પોલિસી કેસમાં કેજરીવાલ, સિસોદિયા સામે PMLA હેઠળ કેસ ચલાવવાની EDને મંજૂરી, ગૃહ મંત્રાલયના આદેશ

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) દિલ્હી એક્સાઈઝ પોલિસી (Delhi Excise Policy) મામલે અરવિંદ કેજરીવાલ (Kejriwal) અને મનીષ સિસોદિયા (Manish Sisodia) વિરુદ્ધ PMLA હેઠળ મની લોન્ડરિંગ કેસ ચલાવવા માટેની EDને મંજૂરી આપી દીધી છે. આ પહેલાં દિલ્હીના LG વીકે સક્સેનાએ પણ કેજરીવાલ વિરુદ્ધ કેસ ચલાવવા માટેની પરવાનગી આપી દીધી હતી. નોંધવા જેવું છે કે, સપ્ટેમ્બર, 2023માં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવવા પહેલાં મંજૂરી લેવી જરૂરી છે.

    જે બાદ અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને તેમના અને અન્ય આરોપીઓ વિરુદ્ધ દાખલ કરેલી EDની ચાર્જશીટને ગેરકાયદેસર ગણાવી હતી. તેમણે દલીલ આપતા કહ્યું હતું કે, ફરિયાદી પક્ષે ફરિયાદ દાખલ કર્યા પહેલાં જવાબદાર અધિકારીઓની મંજૂરી નહોતી લીધી. જે બાદ ડિસેમ્બર, 2024માં EDએ LGને પત્ર લખીને આ મામલે મંજૂરી આપવા માટેની માંગણી કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, દિલ્હીના LGની મંજૂરી મળ્યા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પણ કેસ ચલાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી હવે ED કેજરીવાલ અને સિસોદિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસ મામલે કેસ ચલાવી શકે છે. સાથે એ પણ નોંધવા જેવું છે કે, દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સિસોદિયા અને કેજરીવાલ બંને જેલની હવા ખાઈને જામીન પર બહાર આવ્યા છે.