ઉત્તર પ્રદેશ પોલીસે તાજેતરમાં પ્રોપગેન્ડા આઉટલેટ ઑલ્ટ ન્યૂઝના સહસ્થાપક અને સ્વઘોષિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈર સામે દાખલ કરવામાં આવેલા એક કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટને જાણકારી આપતાં કહ્યું કે, તેને ભારતના સાર્વભૌમત્વને જોખમમાં મૂકવા અને એકતા અને અખંડિતતાને અસર કરવાના આરોપસર FIR નોંધવામાં આવી છે.
આ કેસ ગાઝિયાબાદના ડાસના દેવી મંદિર પર થયેલા હુમલા મામલેની છે, જેમાં મંદિરના મહંત યતિ નરસિંહાનંદના સમર્થકોએ ઝુબૈર ઉપર ઈન્ટરનેટ પર પોસ્ટ કરીને ઇસ્લામી ટોળાંને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.
આ FIR સામે ઝુબૈર હાઈકોર્ટ પહોંચ્યો છે અને ધરપકડ સામે રક્ષણની માંગ કરી છે. તેની અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટે તપાસ કરતા અધિકારીને એફિડેવિટ દાખલ કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે એફિડેવિટ કરીને આ જાણકારી આપી હતી.
પોલીસે કોર્ટને જણાવ્યું કે, ઝુબૈરને ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 હેઠળ આરોપી બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 પણ જોડવામાં આવી હતી.
કોર્ટે આ એફિડેવિટ સ્વીકારી લઈને મામલાની આગામી સુનાવણી 3 ડિસેમ્બરના રોજ મુકરર કરી છે.