Thursday, July 3, 2025
More

    ‘₹4 લાખ તો ખૂબ ઓછા છે, મને દર મહિને ₹10 લાખ જોઈએ…’: મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંને ભરણપોષણથી નથી સંતોષ

    2 જુલાઈના રોજ, ક્રિકેટર મોહમ્મદ શમીની (Mohammed Shami) પત્ની હસીન જહાંએ (Hasin Jahan) મીડિયાને જણાવ્યું હતું કે દર મહિને ₹4 લાખ રૂપિયાનું ભરણપોષણ (maintenance) તેના માટે પૂરતું નથી. સાથે જ તેણે ભારતીય ક્રિકેટર પાસેથી દર મહિને ₹10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અહેવાલ છે કે 1 જુલાઈના રોજ, કલકત્તા હાઇકોર્ટે (Calcutta High Court) શમીને હસીનને દર મહિને ₹1.5 લાખ અને તેમની પુત્રીને ₹2.5 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

    હસીનએ તેને ‘મોટી જીત’ ગણાવી અને કહ્યું કે તે હવે એક વધુ અરજી દાખલ કરશે. જેમાં તે વધતી જતી મોંઘવારી અને શમીની વૈભવી જીવનશૈલીનો ઉલ્લેખ કરીને ₹10 લાખ રૂપિયાની માંગણી કરવાનું ચાલુ રાખશે. તેણે કહ્યું કે શમીના કહેવાથી તેણે મોડેલિંગ અને અભિનય કારકિર્દી છોડવાની ફરજ પડી હતી અને હવે તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી.

    ન્યાયાધીશે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી હતી કે ₹4 લાખ રૂપિયાના ભરણપોષણની ગણતરી શમીની આવક અને હસીનની જીવનશૈલીના આધારે કરવામાં આવી હતી. હસીન દ્વારા ઘરેલુ હિંસા, છેતરપિંડી અને હત્યાના પ્રયાસનો આરોપ લગાવતી એફઆઈઆર નોંધાવ્યા બાદ 2018માં આ દંપતી અલગ થઈ ગયું હતું. બાદમાં, તેણીએ શમીના સ્ક્રીનશોટ જાહેર કર્યા, અને દાવો કર્યો કે તે અન્ય મહિલાઓ સાથેની ચેટ કરે છે.