ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝરુદ્દીનને કેન્દ્રીય એજન્સી EDએ એક કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. અઝરુદ્દીનને 3 ઑક્ટોબરના રોજ (ગુરુવાર) હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે.
આ કેસ હૈદરાબાદ ક્રિકેટ એસોશિએશનમાં નાણાકીય ગેરરીતિ મામલેનો હોવાનું જાણવા મળ્યું છે. અઝરુદ્દીન જ્યારે એસોશિએશનના પ્રમુખ હતા ત્યારે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે, જે મામલે એજન્સી તપાસ કરી રહી છે. ગત નવેમ્બરમાં એજન્સીએ અમુક ઠેકાણે સર્ચ ઑપરેશન પણ હાથ ધર્યું હતું.
આ કેસ તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દાખલ કરવામાં આવેલી FIR પર આધારિત છે. લગભગ 20 કરોડ રૂપિયાના ફંડમાં હેરફેર થઈ હોવાના આરોપ મામલે એજન્સીઓ તપાસ કરી રહી છે.
મોહમ્મદ અઝરુદ્દીન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઉપરાંત સાંસદ પણ રહી ચૂક્યા છે. જોકે, મેચ ફિક્સિંગ વગેરેમાં સપડાવાના કારણે એક સમયે કારકિર્દીનો અંત આવી ગયો હતો. 2009માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારબાદ UPના મોરાદાબાદથી ચૂંટણી લડીને લોકસભા સાંસદ બન્યા. 2014માં રાજસ્થાનના સવાઈ માધોપુરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હાર મળી હતી. 2023ની તેલંગાણા વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ જીત ન મળી. 2018માં તેમને તેલંગાણા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ નીમવામાં આવ્યા.