ગયા વર્ષે 24 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં શાહી જામા મસ્જિદના સરવે દરમિયાન ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસે રવિવારે (16 ફેબ્રુઆરી0 વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, નખાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધરપકડ બાદ મોહમ્મદ હસન અને સમદને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
ધરપકડ બાદ બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ સંભલ હિંસામાં સામેલ હતા. આ સાથે જ તેમણે એવું પણ જણાવ્યું છે કે, તેઓ પોલીસ પર પથ્થરમારો અને ફાયરિંગ કરનારા લોકોમાં પણ સામેલ હતા. બંને આરોપીઓના નિવેદન નોંધ્યા બાદ પોલીસે તેમને જેલમાં ધકેલી દીધા છે.
નોંધનીય છે કે, 24 નવેમ્બર, 2024ના રોજ કોર્ટના આદેશ પર જામા મસ્જિદનો સરવે કરવા પહોંચેલી ટીમ અને પોલીસ પર મુસ્લિમ ટોળાંએ હુમલો કરી દીધો હતો. ઘટનામાં કેટલાક વ્યક્તિઓનો જીવ પણ ગયો હતો અને ઘણા ઘાયલ પણ થયા હતા. આ ઘટના બાદથી આરોપીઓને પકડવા માટે યુપી પોલીસ કાર્યવાહી હાથ ધરી રહી છે.