છત્રપતિ સંભાજી મહારાજના (Chhatrapati Sambhaji Maharaj) જીવન પર બનેલી વિકી કૌશલની (Vicky Kaushal) ઐતિહાસિક-નાટ્ય ફિલ્મ ‘છાવા’ને (Chhaava) દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. રિલીઝ થયાના 40 દિવસ પછી પણ, ફિલ્મ બોક્સ ઓફિસ પર ભારે કમાણી કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અગાઉ ‘છાવા’ની પ્રશંસા કરી હતી અને હવે તેઓ સંસદમાં (Parliament) યોજાનાર વિકી કૌશલની આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં (special screening) હાજરી આપવા જઈ રહ્યા છે.
સંસદ ‘છાવા’નું ખાસ સ્ક્રીનિંગ યોજવા જઈ રહી છે. પીએમ મોદી 27 માર્ચે સંસદના પુસ્તકાલય ભવનમાં બાલયોગી ઓડિટોરિયમમાં વિકી કૌશલની ફિલ્મ જોશે. આ સ્ક્રીનિંગમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપના ઘણા મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહેશે.
સંભાજીની ભૂમિકા ભજવીને પ્રશંસા મેળવી રહેલા વિકી કૌશલ, દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકર અને નિર્માતા દિનેશ વિજન પણ સંસદ દ્વારા આયોજિત ‘છાવા’ના ખાસ સ્ક્રીનિંગમાં હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 21 ફેબ્રુઆરીએ દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનને સંબોધિત કરતી વખતે ‘છાવા’ની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે- “મહારાષ્ટ્ર અને મુંબઈએ મરાઠી ફિલ્મોની સાથે હિન્દી સિનેમાને પણ આ ઊંચાઈ આપી છે. આજકાલ, છાવા’ ખૂબ જ લોકપ્રિય છે.”