Monday, April 14, 2025
More

    આજ સુધીની સૌથી મોટી ડિફેન્સ ડીલને મોદી સરકારની મંજૂરી: સેના માટે ખરીદાશે 156 પ્રચંડ હેલિકૉપ્ટર, ₹62,000 કરોડનો ખર્ચ

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શુક્રવારે (28 માર્ચ) ઐતિહાસિક અને આજ સુધીની સૌથી મોટી ડિફેન્સ ડીલને મંજૂરી આપી. સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિએ કુલ 156 લાઇટ કોમ્બેટ હેલિકૉપ્ટર ખરીદવા માટે લીલી ઝંડી આપી છે. ભારતીય સેના અને ભારતીય વાયુસેના માટેનાં આ હેલિકૉપ્ટર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) પાસેથી ₹62,000 કરોડના ખર્ચે ખરીદવામાં આવશે.

    HALને આપવામાં આવેલો આ આજ સુધીનો સૌથી મોટો ઓર્ડર છે. આ હેલિકૉપ્ટરો બેંગ્લોર અને તુમકુરના પ્લાન્ટમાં બનાવવામાં આવશે. ગત વર્ષે જૂનમાં HALનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું હવે સરકારની મંજૂરી મળી ગઈ છે.

    કુલ 156 હેલિકૉપ્ટરમાંથી 90 ભારતીય સેનાને એને બાકીના વાયુસેનાને આપવામાં આવશે. તમામ ચીન અને પાકિસ્તાન સરહદ પર તહેનાત કરવામાં આવશે. 

    આ લાઇટ કોમ્બેટ હેલિકૉપ્ટરને ‘પ્રચંડ’ નામ આપવામાં આવ્યું છે. આ વિશ્વનું એકમાત્ર એવું હેલિકૉપ્ટર છે જે 5000 મીટરની ઊંચાઈએ ટેક ઑફ અને લેન્ડ કરી શકે છે. જેથી સિયાચીન અને પૂર્વ લદાખ વિસ્તારમાં સેના માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે. ઉપરાંત તે એર ટૂ ગ્રાઉન્ડ અને એર-ટૂ-એર મિસાઈલ ફાયર કરવાની પણ ક્ષમતા ધરાવે છે. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાયમ આત્મનિર્ભર ભારત પર ભાર મૂકતા રહ્યા છે. સરકાર સતત આ બાબત પર ભાર આપી રહી છે અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં દેશ સ્વનિર્ભર બને તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.