Sunday, March 9, 2025
More

    JPCના વક્ફ સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી, બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ થઈ શકે

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સંશોધિત વક્ફ (સંશોધન) બિલ, 2024ને મંજૂરી આપી દીધી છે. શક્યતા છે કે ચાલુ બજેટ સત્રના દ્વિતીય ભાગમાં તેને સંસદમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવશે. ચર્ચા બાદ બહુમતી મળે તો બિલ પસાર થશે. 

    સરકારે પ્રથમ ઑગસ્ટમાં આ બિલ સંસદમાં રજૂ કર્યું હતું, પરંતુ ત્યારબાદ તેને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ મોકલી આપવામાં આવ્યું હતું. સત્તાપક્ષ અને વિપક્ષ બંને તરફથી સાંસદોને સમાવીને એક સમિતિનું ગઠન કર્યા બાદ તેની ઉપર ચર્ચા ચાલી હતી. સમિતિનો કાર્યકાળ નવેમ્બર 2024 સુધીનો હતો, જેને લંબાવીને એપ્રિલ 2025 કરવામાં આવ્યો હતો. 

    આખરે બજેટ સત્રના આરંભ પહેલાં JPCએ બિલમાં અમુક સુધારા અને ભલામણો સૂચવીને સંશોધિત બિલ અને રિપોર્ટ સોંપ્યાં હતાં. જે બિલને સરકારની કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે તેને સંસદમાં રજૂ કરવામાં આવશે. 

    સરકારે જે અગાઉ મૂળ બિલ રજૂ કર્યું હતું તેમાં વર્તમાન કાયદામાં કુલ 44 સુધારા કરવામાં આવ્યા છે. ત્યારબાદ તે બિલમાં JPCએ 14 જેટલા સુધારા સૂચવ્યા હતા. આ બિલ પર હવે ચર્ચા થશે. 

    સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થયું હતું. પ્રથમ તબક્કામાં સત્ર 13 ફેબ્રુઆરી સુધી ચાલ્યું. ત્યારબાદ વિરામ આપવામાં આવ્યો હતો. હવે બીજો તબક્કો 10 માર્ચથી શરૂ થશે, જે 4 એપ્રિલ સુધી ચાલવાની ગણતરી છે.