કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ‘એક દેશ, એક ચૂંટણી’ બિલને સત્તાવાર રીતે મંજૂરી આપી છે. અર્થાત્, હવે જલ્દીથી સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ જ સત્રમાં સરકાર બિલ રજૂ કરશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં સપ્ટેમ્બર, 2024માં નરેન્દ્ર મોદી સરકારે ‘વન નેશન, વન ઇલેક્શન’ પર રામનાથ કોવિંદ કમિટીનો રિપોર્ટ સ્વીકાર્યો હતો. હવે આ રિપોર્ટ પરથી ડ્રાફ્ટ કરવામાં આવેલા બિલને મંજૂરી આપવામાં આવી છે. બંધારણીય પ્રક્રિયા અનુસાર, કેબિનેટ બિલને મંજૂરી આપે ત્યારબાદ તે સંસદમાં રજૂ કરવામાં આવે છે. બંને ગૃહમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરીથી તે કાયદો બને છે.
મીડિયા અહેવાલો સૂત્રોને ટાંકીને એમ પણ જણાવી રહ્યા છે કે વક્ફ સંશોધન બિલની જેમ આ બિલ માટે પણ એક સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી શકે છે. જોકે, સત્તાવાર રીતે આ અંગે હજુ સુધી જાણકારી આવી નથી.
દેશમાં હાલ લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અલગ-અલગ અને જુદા-જુદા સમયે થાય છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમામ ચૂંટણીઓ એકસાથે અને એક જ સમયે કરાવવામાં આવે, જેથી સમય-શક્તિ અને નાણાંનો બચાવ થાય.