કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના તેમજ અન્ય અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ આપવામાં આવતા નિઃશુલ્ક ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવા માટે ઔપચારિક રીતે મંજૂરી આપી છે.
આ નિર્ણય બુધવારે (9 ઑક્ટોબર) લેવામાં આવ્યો. જે અનુસાર છેક ડિસેમ્બર, 2028 સુધી ગરીબોને આ લાભ મળતો રહેશે.
ઉલ્લેખનીય છે કે 75મા સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં પોષણ સંબંધી સુરક્ષા પર ભાર મૂક્યો હતો. આ જ પહેલના ભાગરૂપે સરકાર વિવિધ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઇડ ચોખા આપી રહી છે.
કેબિનેટમાં તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઇડ ચોખાનો સપ્લાય કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત PM પોષણ વિસ્તારો, 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓ તથા સ્ટંટીંગનું વધુ પ્રમાણ ધરાવતા 250 જિલ્લાઓ અને PMGKAY સહિત દેશના બાકીના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જુલાઈ 2024થી ડિસેમ્બર 2028 સુધી કુલ ₹17,082 કરોડના ખર્ચે 80 કરોડ લોકોને લાભ આપવામાં આવશે. યોજનાનું સમગ્ર ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજનાના પગલે એનિમિયા અને સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ ઘટાડવામાં મદદ મળશે તેમ સરકારે જણાવ્યું હતું.