ISRO ચીફ વી નારાયણને રવિવારે (16 માર્ચ) માહિતી આપી છે કે, કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. તેઓ બેંગ્લોરમાં ISRO ચીફનો પદભાર સંભાળ્યા બાદ એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તે દરમિયાન તેમણે ચંદ્રયાન મિશન વિશેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ મિશનમાં જાપાન આપણો સહયોગી દેશ હશે.
તેમણે વધુમાં કહ્યું કે, “હમણાં ત્રણ દિવસ પહેલાં જ અમને મિશન ચંદ્રયાન-5ની મંજૂરી આપી દેવામાં આવી છે. તેમાં જાપાન આપણું સહયોગી હશે. ચંદ્રયાન-3 માટે 25 કિલોગ્રામનું રોવર (પ્રજ્ઞાન) લઈ જવામાં આવ્યું હતું, જ્યારે ચંદ્રયાન-5 ચંદ્રની સપાટીનું અધ્યયન કરવા માટે 250 કિલોગ્રામ વજનનું રોવર લઈને જશે.”
વધુમાં તેમણે ચંદ્રયાન-4 વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, 2027માં લૉન્ચ થનારા ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની માટીનો નમૂના લઈને આવવાનો છ. તે સિવાય ગગનયાન સહિત ઘણા મિશનો સિવાય અંતરીક્ષમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.