Tuesday, June 24, 2025
More

    ગુજરાત સહિત 4 સરહદી રાજ્યોમાં ફરી યોજાશે મોકડ્રીલ: ઑપરેશન સિંદૂર બાદ નાગરિકોને આપશે યુદ્ધ દરમિયાન બચાવ કામગીરીની તાલીમ

    પહલગામ આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ મોદી સરકાર સતત એક્શનમાં છે. પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લીધા બાદ ઑપરેશન સિંદૂરના (Operation Sindoor) માધ્યમથી પહલગામનો પ્રતિશોધ લેવામાં આવ્યો સાથે સાથે દેશના નાગિરકોને યુદ્ધ માટે તૈયાર કરવા માટે ડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર 29 મેના રોજ પણ દેશના 4 રાજ્યોમાં મોકડ્રિલ (Mock Drill) યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

    પાકિસ્તાન સાથેની સરહદે આવેલા ચાર રાજ્યો- ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં આવતીકાલે એટલે કે 29 મે, 2025ના રોજ મોકડ્રિલનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ ડ્રિલનો હેતુ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાનો અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ માટે તૈયારીની ખાતરી કરવાનો છે. આ કવાયત ઑપરેશન સિંદૂરના થોડા અઠવાડિયા બાદ યોજાઈ રહી છે.

    આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ એર રેઇડ (હવાઈ હુમલા), આતંકવાદી હુમલા અથવા યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં સિવિલ અને ડિફેન્સ તંત્રની ઝડપી અને અસરકારક પ્રતિક્રિયાની ક્ષમતાને ચકાસવાનો છે. આ કવાયતમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), ભારતીય સેના, રાજ્ય પોલીસ, ફાયર બ્રિગેડ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને અન્ય સ્થાનિક એજન્સીઓ ભાગ લેશે. નાગરિકોને પણ આ ડ્રિલમાં સામેલ કરવામાં આવશે, જેમાં તેઓને એર રેઇડ સાયરન, બ્લેકઆઉટ (અંધારપટ) અને બચાવ કામગીરીની તાલીમ આપવામાં આવશે.