Tuesday, June 24, 2025
More

    ગુજરાત સહિતનાં સરહદી રાજ્યોમાં યોજાનારી મોકડ્રીલ સ્થગિત, ટૂંક સમયમાં જાહેર કરાશે ‘ઑપરેશન શિલ્ડ’ની નવી તારીખ

    ભારત સરકારે 29 મેના (ગુરુવાર) રોજ દેશના કેટલાંક રાજ્યોમાં મોકડ્રીલ (Mock Drill Postponed) યોજવા સૂચનાઓ આપી હતી. ઑપરેશન શિલ્ડ (Operation Shield) હેઠળ સિવિલ ડિફેન્સ પ્રેક્ટિસ (Civil Defence Practice) માટે આ મોકડ્રીલ યોજાવા જઈ રહી હતી, પરંતુ વહીવટી કારણોસર તેને સ્થગિત કરવામાં આવી છે. નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે.

    દેશની સરહદે આવેલાં જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, પંજાબ, ગુજરાત અને હરિયાણા સહિતનાં રાજ્યોમાં સાંજે 5 વાગ્યા પછી મોકડ્રીલ યોજવા સૂચનાઓ આપવામાં આવી હતી, જે હવે મુલતવી રાખવામાં આવી છે. આ વિષય પરની માહિતી તમામ સંબંધિત અધિકારીઓને પણ આપવામાં આવી છે.

    મોકડ્રીલ સ્થગિત કરવાની માહિતી ગુજરાતના માહિતી વિભાગ અને રાજસ્થાનના ગૃહ મંત્રાલય સુધી પહોંચી ગઈ છે, આ વાતની સત્તાવાર પુષ્ટિ પણ થઈ ગઈ છે. ચંદીગઢ વહીવટીતંત્રે પણ મોકડ્રીલ અને બ્લેકઆઉટ અને રદ્દ કરવાની જાહેરાત કરી દીધી છે.

    અહેવાલ અનુસાર પંજાબ સરકારે સિવિલ ડિફેન્સ કર્મચારીઓ માટે NDRF દ્વારા ચાલી રહેલી તાલીમનો ઉલ્લેખ કરીને આગામી મોકડ્રીલ માટે 3 જૂનનો પ્રસ્તાવ મૂક્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પુષ્ટિ આપી છે કે કેન્દ્રએ આ તારીખને મંજૂરી આપી છે.

    તમામ ડેપ્યુટી કમિશનરોને તે દિવસે જિલ્લાઓમાં આ કવાયત હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે બાકીનાં રાજ્યો માટેની નવી તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.