ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના પગલે દેશભરમાં સિવિલ ડિફેન્સ મૉકડ્રિલનું (Mock Drill) આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રિલ 7 મે, 2025ના રોજ દેશભરના 259 સ્થળોએ યોજાશે, જેમાં ગુજરાતના 19 જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. આ ડ્રિલનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકો અને વહીવટી તંત્રની તૈયારીને પારખવાનો છે.
ગુજરાતમાં આ મૉકડ્રિલ 19 જિલ્લાઓમાં યોજાવાની છે, જેમાં સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર, ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારીનો સમાવેશ થાય છે. આ પહેલાં વર્ષ 1971માં આવી ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના 19 જિલ્લાઓમાં યોજાશે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ!
— Sagar Patoliya (@kathiyawadiii) May 6, 2025
આ 19 સ્થળોમાં – સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર, ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, અને નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. https://t.co/o95kWAiGgI
આ ડ્રિલનું આયોજન ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર કરવામાં આવ્યું છે, જેમાં નાગરિક સંરક્ષણ, બ્લેકઆઉટ પ્રોટોકોલ અને ઇવેક્યુએશન પ્રક્રિયાને ધ્યાનમાં રાખવામાં આવશે. ગુજરાતમાં આ મૉક ડ્રિલની જવાબદારી IPS મનોજ અગ્રવાલને સોંપવામાં આવી છે, જેઓ આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે નિયુક્ત થયા છે.
આ ડ્રિલમાં નાગરિકોને હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વિશે માહિતી આપવામાં આવશે. હુમલાની સ્થિતિમાં પોતાને બચાવવા માટે નાગરિકો અને વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. બ્લેકઆઉટની પરિસ્થિતિમાં શું કરવું તે અંગેની જાણકારી અને તાલીમ આપવામાં આવશે. જો સ્થળાંતર કરવાની જરૂર પડે તો તેનું રિહર્સલ અને તેની સાથે જોડાયેલી અપડેટ્સ આપવામાં આવશે.