અમદાવાદના નારોલમાં જાહેરમાં આતંક મચાવવાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, બાઇક સાઇડમાં લેવાને લઈને અકરમ, શેરુ, મોહમ્મદ, સોહિલ અને ઈમરાન સહિતના લોકોએ જાહેરમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને વાહનો પર તલવારો ઝીંકી હોવાનું સામે આવ્યું છે. વધુમાં અમદાવાદ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હોવાનું પણ સામે આવ્યું છે.
વિગતો અનુસાર, બાઇક સાઇડમાં કરવાને લઈને અકરમ સહિતના ટોળાંએ ફરિયાદી સાથે મારામારી કરી હતી અને ત્યારબાદ અકરમ અંસારી, સોહિલ, મોહમ્મદ નૂરીદ્દીન અને ઈમરાન હથિયારો લઈને ઘસી આવ્યા હતા અને ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી. વધુમાં તેમણે પોતાની ધાક જમાવવા માટે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.
ત્યારબાદ ટોળાંએ ફરિયાદીની બુલેટ બાઇક પર તલવારો ઝીંકીને તોડી નાખ્યું હતું. ફાયરિંગની જાણ થતાં જ નારોલ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો પણ ત્યાં આવી પહોંચી હતી. ફરિયાદના આધારે પોલીસે આ ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.