Thursday, July 10, 2025
More

    ભાષાવિવાદ વચ્ચે રાજ ઠાકરે પર ટિપ્પણી કરનાર ઇન્વેસ્ટર સુશીલ કેડિયાની ઑફિસે તોડફોડ, પાંચની અટકાયત

    મુંબઈના વર્લીના ઇન્વેસ્ટર સુશીલ કેડિયાની ઑફિસે તોડફોડ કરવા બદલ પોલીસે પાંચ વ્યક્તિઓની અટકાયત કરી છે. કેડિયાએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે પર મરાઠી ભાષાને લઈને ચાલતા વિવાદ પર ટિપ્પણી કરી હતી. ત્યારબાદ મનસેના અમુક કાર્યકરો સવારે તેમની ઑફિસે પહોંચી ગયા અને તોડફોડ કરી હતી. 

    વાસ્તવમાં સુશીલ કેડિયાએ એક પોસ્ટમાં રાજ ઠાકરેને ટેગ કરીને લખ્યું હતું કે, ‘મુંબઈમાં 30 વર્ષ રહ્યા પછી પણ મને સરખી મરાઠી આવડતી નહતી અને મેં નક્કી કર્યું છે કે તમારા જેવા માણસો જ્યાં સુધી મરાઠી માનુષ હોવાનો ઢોંગ કરતા રહે ત્યાં સુધી હું મરાઠી શીખીશ નહીં. શું કરી લેશે, બોલ?’ 

    આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ ગઈ અને બીજા દિવસે MNS કાર્યકરો સુશીલની ઑફિસે દોડી ગયા અને તોડફોડ મચાવી. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. 

    આ મામલે પોલીસે પાંચની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. જોકે બીજી તરફ સુશીલ કેડિયાએ માફી માંગી છે. તેમણે કહ્યું કે તેમણે તણાવમાં વધારે પડતી પ્રતિક્રિયા આપી દીધી અને આ લખી દીધું હતું અને હવે વિવાદનો ફાયદો લેવા માંગતા લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે.