તાજેતરમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયાની વિવિધ ચાર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી આવી હતી. હવે આ મામલે છત્તીસગઢના એક 17 વર્ષીય સગીરની ધરપકડ કરવામાં આવી છે. તેણે પોતાના મિત્રના નામે X આઈડી બનાવીને આ ધમકીઓ આપી હતી, જેથી તેને કાયદાકીય રીતે ફસાવી શકાય.
જાણવા મળ્યું છે કે, આરોપી સગીરને તેના 31 વર્ષીય મિત્ર સાથે કોઈ પૈસાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે તેણે આવું પગલું ભરીને તેને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 14 ઑક્ટોબરે તેના મિત્રના નામે સોશિયલ મીડિયા આઈડી બનાવી હતી અને વિમાનોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ મામલે જણાવ્યું છે કે, “આ ઘટનાને લઈને સગીરની પૂછપરછ કરવામાં આવી હતી. ટેકનિકલ વિશ્લેષણમાં તેની ભૂમિકા સામે આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.” આ સાથે જ અધિકારીએ જણાવ્યું છે કે, સગીરને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (JJB) સામે રજૂ કર્યા બાદ ચાર દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.