અમદાવાદના દાણીલીમડામાં મદરેસામાં અભ્યાસ કરતો એક મુસ્લિમ સગીર ‘હાફિઝ’ બનવા જાઉં છું તેમ કહીને ગુમ થઈ ગયો હોવાનો મામલો સામે આવ્યો છે. જેને લઈને પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી છે.
13 વર્ષીય બાળક જમાલપુરની એક મદરેસામાં અભ્યાસ કરે છે. અઠવાડિયાના પાંચ દિવસ ત્યાં જ રહે છે અને શનિવારે ઘરે આવે છે. રવિવારે પરત ફરે છે. ગત 11 જાન્યુઆરીના રોજ તે ઘરે આવ્યો હતો, ત્યારબાદ સોમવારે રજા લીધી અને મંગળવારે 14 જાન્યુઆરીએ પરત ફર્યો હતો.
બીજા દિવસે ઘર પાસેથી તેની સાયકલ ગાયબ થઈ ગઈ હતી. માતાએ તપાસ કરતાં ત્યાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે હું હાફિઝ બનવા માટે જાઉં છું અને રમઝાન મહિનામાં પરત આવી જઈશ.
પરિવારે પછીથી આ મામલે દાણીલીમડા પોલીસને જાણ કરતાં પોલીસે અજાણ્યા ઇસમ સામે અપહરણનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
ઇસ્લામમાં હાફિઝ એવા વ્યક્તિને કહેવામાં આવે છે, જેને કુરાન સંપૂર્ણપણે મોઢે હોય છે. સમુદાયમાં તેને સન્માનની નજરે જોવામાં આવે છે એવું કહેવાય છે.