તાજેતરમાં દિલ્હીમાં અનેક શાળાઓને બૉમ્બની ધમકીઓ મળ્યાના ઘણા કેસ સામે આવ્યા હતા. આ મામલે તપાસ કરતી દિલ્હી પોલીસે એક બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની અટકાયત કરી છે. તેણે જ આ ખોટા ધમકીભર્યા મેલ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ઘટનાક્રમની પુષ્ટિ કરતાં સાઉથ દિલ્હી પોલીસ DCP અંકિત ચૌહાણે જણાવ્યું કે, કિશોર કુલ 23 શાળાઓને ધમકીભર્યા મેલ સેન્ડ કર્યા હતા. તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે આ વાત કબૂલી લીધી હતી. ત્યારબાદ તેણે એ પણ જણાવ્યું કે અગાઉ પણ તેણે આ રીતે શાળાઓને ધમકીભર્યા ઈ-મેઇલ મોકલ્યા હતા.
પોલીસ અનુસાર, બાળકનો ઈરાદો એ હતો કે આ રીતે ધમકી આપીને ભયનો માહોલ સર્જવામાં આવે તો શાળા પરીક્ષા રદ કરી દે અને તને પરીક્ષા આપવા જવું ન પડે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, દિલ્હીની શાળાઓને જે બૉમ્બની ધમકીના ઈમેઇલ મોકલવામાં આવ્યા હતા તે શાળાના જ અમુક વિદ્યાર્થીઓનું કારસ્તાન હતું.