મહેસાણાના કડીના એક ગામમાં એક કંપનીના કામ દરમિયાન માટીની ભેખડ ધસી પડતાં 6 શ્રમિકોનાં મોત નીપજ્યાં છે.
ઘટના કડી તાલુકાના જાસલપુર ગામે એક ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ પર બની. હાલ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત, ફાયર વિભાગની ટીમ તેમજ જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.
અહીં આઈનોક્સ સ્ટેઇનલેસ સ્ટાઈલ કંપનીનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક ભેખડ ધસી પડી. સાઇટ પર કુલ 10 લોકો કામ કરી રહ્યા હતા, જેમાંથી માત્ર એક જ વ્યક્તિ બહાર આવી શક્યો. બાકીના 9 લોકો દટાઈ ગયા.
૯માંથી 6 મૃત્યુ પામ્યા છે, જ્યારે બાકીના ત્રણને બહાર કાઢવા માટે આ લખાય રહ્યું છે ત્યારે પ્રયાસો ચાલુ છે.
મહેસાણા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, કડીના એક ગામમાં નવી કંપનીનું બાંધકામ ચાલી રહ્યું હતું, ત્યારે ભેખડ ધસી પડતાં 9 મજૂરો દટાઈ ગયા હતા. હાલ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.