Friday, April 25, 2025
More

    ‘શ્રીલંકાની ધરતીનો ઉપયોગ એવી કોઈ પ્રવૃત્તિ માટે નહીં થવા દઈએ, જેનાથી ભારતની સુરક્ષા જોખમાય’: પીએમ મોદી સાથે બેઠક બાદ રાષ્ટ્રપતિ દિસાનાયકે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ શ્રીલંકાના પ્રવાસે છે. શનિવારે (5 એપ્રિલ) તેમણે શ્રીલંકન રાષ્ટ્રપતિ અનુર કુમારા દિસાનાયકે સાથે એક દ્વિપક્ષીય બેઠક કરી. બંને દેશોનાં પ્રતિનિધિમંડળ વચ્ચે થયેલી આ બેઠકમાં વેપાર, IT, રક્ષા, સ્વાસ્થ્ય વગેરે અનેક ક્ષેત્રોમાં અનેક મહત્વનાં MoU કરવામાં આવ્યાં. બીજી તરફ, શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની સુરક્ષા જોખમાય તેવી કોઈ ગતિવિધિ શ્રીલંકાની ધરતી પર નહીં કરવામાં આવે.

    શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકેએ પીએમ મોદી સાથેની બેઠકમાં એક નિવેદન આપતાં કહ્યું કે, શ્રીલંકા કોઈ પણ સંજોગોમાં પોતાની ભૂમિનો ઉપયોગ એવી ગતિવિધિઓ માટે નહીં થવા દે, જેનાથી ભારતની સુરક્ષાને અસર પહોંચે કે વિસ્તારમાં અશાંતિ સર્જાય. 

    વિશેષમાં, વડાપ્રધાન મોદીએ જાહેરાત કરતાં કહ્યું કે ભારત સરકાર શ્રીલંકામાં સીતા એલિયા મંદિર, અનુરાધાપુરામાં પવિત્ર સિટી કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ, ત્રિંકોમાલી સ્થિત તિરુકોણેશ્વરમ મંદિર વગેરેના જીર્ણોદ્ધાર અને વિકાસ માટે નાણાકીય મદદ પૂરી પાડશે. 

    બંને દેશો વચ્ચે કુલ સાત MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે અનુસાર, શ્રીલંકામાં ડિજિટલ ટ્રાન્ફોર્મેશનમાં મદદ કરવા માટે ભારતીય IT મંત્રાલય અને શ્રીલંકાના ડિજિટલ ઇકોનોમી મંત્રાલય વચ્ચે કરાર થયા છે. આ સિવાય ત્રિંકોમાલીને એનર્જી હબ તરીકે વિકસાવવા પણ બંને દેશોએ UAE સાથે મળીને કરાર પર હસ્તાક્ષર કર્યા. ડિફેન્સ સેક્ટરમાં પણ એક અગત્યના MoU પર બંને દેશોએ સહમતિ દર્શાવી. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ એક MoU પર બંને દેશોનાં સ્વાસ્થ્ય મંત્રાલયોએ હસ્તાક્ષર કર્યા હતા. 

    આ સિવાય પીએમ મોદી શ્રીલંકામાં ત્યાંના મુખ્ય વિપક્ષ નેતા અને અન્ય તમિલ નેતાઓને પણ મળ્યા હતા.