મર્ચન્ટ નેવી ઓફિસર પતિની હત્યાના આરોપમાં જેલમાં બંધ મુસ્કાન રસ્તોગી ગર્ભવતી (Muskan Rastogi Pregnant) હોવાનું સામે આવ્યું છે. જેલ અધિકારીઓની ઔપચારિક વિનંતી બાદ સોમવારે જિલ્લા હોસ્પિટલની એક ટીમ જેલમાં પહોંચી ત્યારે મુસ્કાનની ગર્ભાવસ્થાની પુષ્ટિ થઈ હતી.
નોંધનીય છે કે, જેલ પ્રશાસને અગાઉ CMO ઓફિસને એક પત્ર મોકલીને તબીબી તપાસની વિનંતી કરી હતી. જવાબમાં, 7 એપ્રિલે એક તબીબી ટીમ જેલમાં મોકલવામાં આવી હતી. ત્યારે મુખ્ય તબીબી અધિકારી અશોક કટારિયાએ મુસ્કાનના ગર્ભાવસ્થા પરિક્ષણના પરિણામની પુષ્ટિ કરી હતી.
નોંધનીય છે કે, મુસ્કાન રસ્તોગી (27) અને તેના પ્રેમી સાહિલ શુક્લા (25) પર 29 વર્ષીય સૌરભ રાજપૂતની હત્યા કરવાનો અને તેના શવના ટૂકડા કરીને સિમેન્ટથી બંધ ડ્રમમાં ભરવાનો આરોપ છે. આ મામલો ગત મહિને ઉજાગર થયો હતો.
મુસ્કાન અને સૌરભના 2016માં પ્રેમલગ્ન થયા હતા અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓ તેમની પાંચ વર્ષની પુત્રી સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. મુસ્કાન અને સાહિલનો પ્રેમસંબંધ સૌરભ લંડનમાં એક બેકરીમાં કામ કરતો હતો ત્યારે શરૂ થયો હતો. જ્યારે સૌરભ પરત આવ્યો ત્યારે બંનેએ તેની હત્યા કરીને શરીરના ટૂકડા કરીને ડ્રમમાં ભરી દીધું હતું.