પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. પરિવારનો આરોપ છે કે સિનિયરો દ્વારા તેનું રેગિંગ કરવામાં આવ્યું હતું.
મૃતક વિદ્યાર્થી MBBS કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. શનિવારે (16 નવેમ્બર) તે અચાનક બેભાન થઈ ગયો હતો અને ત્યારબાદ મૃત્યુ પામ્યો.
પરિવારે જણાવ્યું કે, વિદ્યાર્થી મહિના પહેલાં જ ભણવા માટે ગયો હતો. શનિવારે પરિવારને કોલેજમાંથી જાણ કરવામાં આવી કે તે ચક્કર આવતાં પડી ગયો છે અને દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ જતાં ખબર પડી કે તેનું મૃત્યુ થયું છે. પરિવારના સભ્યએ કહ્યું કે, અમને કોલેજના જ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળ્યું છે કે સિનિયર વિદ્યાર્થીઓ રેગિંગ કરતા હતા. સતત ઉભો રાખવાના કારણે બેભાન થયો હોય શકે.
કોલેજના ડીન હાર્દિક શાહે આ મામલે જણાવ્યું કે, વિદ્યાર્થી બેભાન થઈને પડી ગયા બાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોએ પ્રયાસ કર્યા, પણ તે બચી ન શક્યો. અમે અમુક વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સિનિયર વિદ્યાર્થીઓએ તેને ત્રણેક કલાક ઊભા રહીને ઇન્ટ્રોડોક્શન આપવાની વાત કહી હતી. ત્યારબાદ આ ઘટના બની છે. જો રેગિંગની વાત સામે આવશે તો કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.